પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળતા મોટું નુકશાન
ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા તેઓએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી
ખેડૂતો ના નુકશાન ના વળતર મામલે પાલિકા એ હકારાત્મકતા દશૉવી દુષિત પાણીના નિકાલ ની હૈયાધારણ આપી
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દુષિત પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. તો ખેતરોમાં ભરાયેલા દુષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવર-જવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયેલ છે. ત્યારે આ બાબતની જાણ માખણીયા પરા વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ ને કરતા ગુરૂવારે ધારા સભ્યે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેક્ટર માં બેસીને ભૂગર પાણીથી ભરાયેલા ખેતરો નું નિરીક્ષણ કરી સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર બોડાત અને એન્જિનિયર કિર્તીભાઈ પટેલને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું.
માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ને લઇ પાટણ ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલિકાના અણધડ વહીવટ ને કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તેઓ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારીઓ સાથે ટેલીફોનિક વાતચીત કરી ખેડૂતોને નુકસાન નું વળતર મળી રહે અને આ ભૂગર્ભ ગટર ના પાણી ઝડપથી આ ખેડૂતોના ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું.
તો આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણીયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે માખણીયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોય જેના કારણે આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યા છે.
ત્યારે સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણીયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપ લાઇન મારફતે જીયુડીસી ને કામ માટે નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવી માખણીયા વિસ્તારમાં સર્જાતી ભૂગર્ભના પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.