પાટણમાં રાત્રી દરમિયાન ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ઉપર હુમલો
પાટણ શહેરના ચતુર્ભુજ ભાગ વિસ્તારમાં રાત્રિ ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ચતુર્ભુજ ભાગ નજીક પાનના ગલ્લાને કેટલાક અજાણ્યા તસ્કરો નિશાન બનાવતા હોવાનું ધ્યાનમાં આવતા બંને હોમગાર્ડ જવાનોએ તસ્કરોને પડકાર ફેંકતા અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના અંધારામાં બંને હોમગાર્ડ જવાનો ઉપર હીચકારો હુમલો કરી માથાના ભાગે તેમજ હાથના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી અંધારામાં ફરાર થઈ ગયા હતા.
તસ્કરોના હુમલામાં ઇજાગ્રત બનેલા બંને હોમગાર્ડ જવાનો એ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જઈ સઘળી હકીકત લેખિતમાં અરજી સ્વરૂપે પાટણ એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે બંને હોમગાર્ડ જવાનોની લેખિત રજૂઆતના પગલે હુમલો કરી ફરાર થયેલા અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ શહેરમાં રાત્રી ફરજ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા હોમગાર્ડ જવાનો ઉપર અજાણ્યા તસ્કરોના હુમલાની ઘટનાને પગલે પોલીસ બેડામાં સનસનાટી મચી છે.