
હાર્ટ એટેકના બનાવોને લઈ આનંદીબહેને ચિંતા વ્યકત કરી
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કારણે મોતના બનાવમાં વધારો થયો છે. તેમાં પણ નવરાત્રિ તહેવારો દરમિયાન તો રોકેટગતિએ કેસ વધ્યા છે. ત્રણ જ દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 12 જેટલા લોકોના મોત નિપજી ચૂક્યા છે. ત્યારે આજે પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આ બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિતિ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને કહ્યું હતું કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનોના મોત નિપજ્યા છે તેનો સ્ટડી કરાવવો જોઈએ અને જાણવું જોઈએ કે શા માટે આ ઘટનાઓ બની રહી છે.પાટણના સંડેરમાં ખોડલધામ સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જ આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિના સમયની અંદર કેટલા યુવાનો ગરબા ગાતા ગાતા મૃત્યુ પામ્યા એનું એનાલિસિસ થવું જોઈએ. શા માટે આ ઘટનાઓ બની રહી છે. એવું શું કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓ બની રહી છે. ઋષિકેશ પટેલને કહ્યું હતું કે, એક વર્ષમાં યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવવો જોઈએ.
કોરોના કાળ બાદ હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતા લોકોમાં એવી ચર્ચા છે કે, આ બનાવો કોરોનાના કારણે બની રહ્યા છે. પરંતુ, આજે આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, મેં મનસુખભાઈ સાથે વાત કરી હતી. એમને રિસર્ચ કરાવ્યું છે એમાં કોરોનાનું કોઈ કારણ ન હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તો હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો જ છે. પણ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નવરાત્રિમાં જ 12 લોકોના મોત નિપજી ચૂક્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ આજે સુરતમાં બે અને મોરબીના એક વ્યકિત મળી કુલ ત્રણના મોત થતા કુલ મૃત્યુ આંક 12 પર પહોંચ્યો છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ગરબા સ્થળે આરોગ્ય સુવિધા પૂરી પાડવા આદેશ કર્યો હતો. તાજેતરમાં વધતા હાર્ટ-એટેકના કેસોને લઇને આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું. નવરાત્રિ આયોજનનાં સ્થળોએ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે હ્રદયરોગની તાત્કાલિક સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.