
રાધનપુરમાં રખડતા ઢોરોની અડફેટે ચડેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
(રખેવાળ ન્યૂઝ) પાટણ, પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પ્રજાપતિ વાસ માં રહેતા ૯૫ વર્ષની વૃદ્ધાને બે દિવસ પહેલા આખલાએ ઘરમાં ઘૂસીને અડફેટમાં લીધા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રવિવારના રોજ વૃદ્ધ મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તો રાધનપુર શહેરમાં રખડતા ઢોરોને લઈને શહેરીજનોમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી જોવા મળી હતી.
પાટણ જિલ્લામાં રખડતા ઢોરો અવાર નવાર રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટમાં લઈ ગંભીર ઇજાઓ પહોંચાડવાની સાથે કેટલા કિસ્સાઓમાં નિર્દોષ માનવ જિંદગીના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હોય છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને દૂર કરવા કોઈ કડક કાર્યવાહી હાથ ન ધરતા રખડતા ઢોરોના માલિકો પણ બેફામ બની પોતાના રખડતા ઢોરોને રસ્તે રઝળતા મૂકી લોકોની મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. ત્યારે રાધનપુરમાં ઢોર ની અડફેટે ચડેલા વૃદ્ધા ના મોતને ધ્યાને લઈ તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા નિવારવા નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.