Home / News / પાટણમાં આઘેડનો આત્મ વિલોપનનો પ્રયાસ, બજારમાં સળગતી હાલતમાં દોડતા દોડધામ
પાટણમાં આઘેડનો આત્મ વિલોપનનો પ્રયાસ, બજારમાં સળગતી હાલતમાં દોડતા દોડધામ
કોરોનાકાળ વચ્ચે આજે સવારે પાટણમાં એક આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ છે. રસ્તાની સમસ્યા સામે હારી આધેડ પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી ઉભી બજારમાં દોડ્યો હતો. આધેડને સળગતી હાલતમાં જોઇ સ્થાનિકો સહિત આસપાસના લોકોએ તેની પાછળ દોડી આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. જે બાદમાં આધેડને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાટણ શહેરના સ્ટેશન રોડ પર રામજી મંદીરના બાજુમાં એક આધેડે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. આજે સવારે રસ્તા પરના દબાણ મુદ્દે આધેડે અચાનક પોતાની જાત પર કેરોસીન છાંટી આગ ચંપી કરી હતી. બાદમાં આધેડ બજારમાં સળગતી હાલતમાં જ દોડી રહ્યો હતો. આધેડે પોતાને આગ ચાંપી હોઇ અફરાતફરીના માહોલ વચ્ચે બજારમાં લોકો વચ્ચે પણ દોડધામ મચી હતી. જોકે સ્થાનિકોએ હિંમત કરી અને કંતાન સહિતના સાધનો વડે આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા.
રસ્તા પરના દબાણ મુદ્દે આધેડે આગચંપી કરતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિકો આગ બુઝાવવા કંતાન સહિતની વસ્તુ હાથમાં લઇ આધેડની પાછળ દોડ્યા હતા. જે બાદમાં આગ બુઝાવી આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે હજી સુધી આધેડ કોણ હતો તે બાબતે કોઇ વિગતો સામે આવી નથી.