પાટણ જિલ્લાના 500 જેટલા સંચાલકો તહેવાર ટાણે જ હડતાળ પર ઉતર્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં આવેલી 500 જેટલી સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેના કારણે જિલ્લાના 2,27,422 રેશનકાર્ડ ધારકો દિવાળી સમયે રાશનના જથ્થાથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો અગાઉ સપ્ટેમ્બર માસમાં પોતાની વિવિધ પડતર માંગણીઓને જેવી કે અનાજના કટ્ટા પર એક કિલોની ઘટ મજરે આપવા તેમજ સસ્તા અનાજના સંચાલકોનું કમિશન રૂ 20,000 કરવા સહિતની વિવિધ પડતર માંગણીયો ને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા તે સમયે સરકારે સંચાલકોની માંગો સ્વીકારવાની હૈયાધારણા આપી હતી.ત્યાર બાદ સરકારે તેઓની માંગ આજ દિન સુધી ન સ્વીકારતા રાજ્યના વાજબી ભાવના દુકાનદારોએ ફરી હડતાળનું રણસિંગુ ફૂંક્યું છે તેમાં પાટણ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો પણ જોડાયા છે.

પાટણ જિલ્લા એફ. પી. એસ. એસોસિએશનના પ્રમુખ તળજાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે રેશન ડીલરોએ પડતર પ્રશ્નો મામલે સરકારને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે અને આ મામલે સર્વ સંમતિ સંધાઈ હોવા છતાં પડતર માંગણીઓની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે. સરકારે દુકાનોના સંચાલકોને 20,000 કમિશન આપવાનું વચન આપ્યું હતું તેમ છતાં માંગણી પૂરી કરવામાં આવી નથી. જ્યાં સુધી સરકાર દુકાનદારોને 20,000 કમિશન તેમજ અન્ય પડતર માંગણીયો નહિ સ્વીકારે ત્યાં સુધી ગોડાઉનમાંથી માલનો જથ્થો સ્વીકારીશું નહીં અને વિતરણ પણ નહીં કરીએ.આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી નીનામાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના સંગઠન કે પ્રમુખ દ્વારા હડતાલ અંગેનું કોઈ આયોજનપત્ર કે કોઈપણ જાતની રજૂઆત હજી સુધી અમારી પાસે કરવામાં આવી નથી. છતાં પણ આ બાબતે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે પ્રમાણે પુરવઠા વિભાગ દ્વારા વિતરણ અંગેની કામગીરી કરાશે.સરકાર અને સસ્તા અનાજની દુકાનદારો વચ્ચે સર્જાયેલી મડાગાંઠમાં અંતે પીસાવવાનો વારો તો ગરીબ લોકોને જ આવ્યો છે. હાલમાં દિવાળીના તહેવારો ટાણે રેશનકાર્ડ ધારકોને દુકાનો ઉપરથી રાશનનો જથ્થો મળી રહેશે કે નહીં તેવી દ્વિધામાં તેઓ મુકાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.