પાટણના વડિયામાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ ઢોરમાર મારતાં સારવાર દરમિયાન મોત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડીયા ગામના પ્રેમી યુવકનું પ્રેમી યુવતીના કાકા સહિત અન્ય ત્રણ શખ્સોએ સ્વિફ્ટ ગાડીમાં અપહરણ કરી કાલુધી ગામના તળાવ પાસે લઈ જઈ ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન પ્રેમી યુવકનું મોત નીપજતા પંથકના વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. બનાવની જાણ મૃતકના ભાઈ દ્રારા સરસ્વતી પોલીસ સ્ટેશનમાં કરાતાં પોલીસે તેઓની ફરિયાદ આધારે પ્રેમી યુવતીના કાકા સહિત અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના વડીયા ગામે રહેતા ઠાકોર ભગાજી સવશીજી ગેમરજીને ઠાકોર અશ્વિન ભોપાજીની ભત્રીજી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોવાની ખબર પડેલ જેનું મન દુઃખ રાખીને પ્રેમી યુવતીના કાકા અશ્વિન ભોપાજી ઠાકોર સહિત અન્ય ત્રણ ઠાકોર શખ્સોએ તા.07 એપ્રિલ ના સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં ઠાકોર ભગાજીનું અપહરણ કરી પ્રથમ લોધી ગામના ચરેડામાં તેમજ કાલુધી ગામના તળાવ પાસે લઈ જઈ મારી નાખવાના ઇરાદે માથાના ભાગે તેમજ મોઢાના ભાગે તેમજ પેટના તેમજ બરડાના ભાગે લાતો તેમજ ફેટો દ્વારા મુઠ માર મારી ઈકો ગાડીમાં ખેતર ઉતારી નાસી ગયા હતા.
આ બનાવની જાણ ભગાજી ઠાકોર ના ભાઈ પિન્ટુજી સવશીજી ગેમરજીને થતાં તેઓ પોતાના ઈજાગ્રસ્ત ભાઈને લઇ સારવાર અર્થે પાટણ ખાનગી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જયાં પ્રાથમિક સારવાર કરી તેને પરત ઘરે લાવવામાં આવ્યાં હતાં પરંતુ ઘરે લાવ્યા પછી ભગાજી ઠાકોરનો શ્વાસ વધી જતાં તેને પ્રાઈવેટ સાધનમાં પાછા દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબી તેઓને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જે સારવાર દરમિયાન ભગાજી ઠાકોરનું મોત નિપજ્યું હોય આ બાબતે મૃતક ભગાજી ઠાકોરના ભાઈ પિન્ટુજી ઠાકોર ની ફરિયાદ આધારે સરસ્વતી પોલીસે ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલ અશ્વિનજી ભોપાજી ઠાકોર સહિત અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.