
રાધનપુરમાં રૂા.૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ શૌચાલય બિસ્માર હાલતમાં
(રખેવાળ ન્યૂઝ) રાધનપુર, રાધનપુર શહેરમાં ભિલોટી દરવાજા ભીલ સમાજના સ્મશાનની બાજુમા નગર પાલિકાની જગ્યામાં નગર પાલિકા દ્વારા રૂ.૧૪ લાખના ખર્ચે શૌચાલય તૈયાર કરવામાં આવ્યું હતું અને એક સફાઈ કામદારની નિમણુંક પણ કરવામાં આવી હતી,પરંતુ નગરપાલિકાની નિષ્કાળજીના કારણે સફાઈ કામદારને ખસેડી લેવામાં આવતાં શૌચાલય બિસ્માર બની ગયું છે, માથાભારે ઈસમો શૌચાલયના દરવાજા પણ તોડીને લઈ ગયા છે.
હાલમાં વહીવટદાર તરીકે મામલતદાર એફ.એમ.બાગબાન સત્તામાં છે ત્યારે સરકારી નાણાંથી તૈયાર થયેલ શૌચાલયનો લોકો ઉપયોગ કરી શકે એ માટે યોગ્ય કાર્યવાહી કરવી જાેઈએ એવી માંગ ઉઠી રહી છે.
શહેરને શૌચમુક્ત કરવાનાં સરકારના અભિગમને સાકાર કરવા માટે નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની યુડીપી-૮૮ ગ્રાન્ટ તળે ભિલોટી દરવાજાથી દેસાઈ દરવાજા દેવીપૂજક વાસ પાસે રૂ.૧૪ લાખના ખર્ચે અત્યાધુનિક શૌચાલય બનાવવામાં આવ્યું હતું અને શૌચાલય તૈયાર થયાં બાદ વાલ્મિકી બળવંતભાઈ અજુભાઈને શૌચાલયની જવાબદારી સોંપવામાં આવી હતી,
પરંતુ વહીવટદારે ગત તા.૭ ફેબ્રુઆરીના રોજ હુકમ કરીને બળવંતભાઈને સફાઈ અને ગટરના પ્રશ્નોને આગળ કરીને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતાં.સફાઈ કામદારને ખસેડ્યા બાદ શૌચાલયની દેખરેખ નગરપાલિકા દ્વારા રાખવામાં ના આવતાં આજે શૌચાલયની હાલત બદતર બની ગઈ છે.લોકો શૌચાલયની આજુબાજુ ગંદકી કરે છે.
મુખ્ય દરવાજાે તોડી નાંખ્યો
પૂર્વ કોર્પોરેટરના પતિ અને સામાજિક કાર્યકર સુભાષભાઈ મકવાણાના જણાવ્યા મુજબ સફાઈ કામદારને હટાવ્યા બાદ શૌચાલયનો મુખ્ય દરવાજાે અસામાજિક તત્વોએ તોડી નાંખ્યો છે. લોકો શૌચાલયની બહાર શૌચ કરતાં ગંદકી ફેલાય છે. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સફાઈ કામદારને હટાવી દેતા આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે.તાત્કાલિક સફાઈ કામદાર મૂકીને શૌચાલય શરુ કરવું જાેઈએ.