
ભાટસણ ગામમાં શાળાએ ન ગયેલા અને અધવચ્ચેથી છોડી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરાયો
સમગ્ર શિક્ષા પાટણ અંતર્ગત 6થી 19 વર્ષની વયજુથના કદી શાળાએ ન ગયેલા અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકો કે જેઓ પોતાનું ધોરણ-1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી મદદરૂપ બનવા અનુરોધ કર્યો છે. પાટણ જિલ્લા સહિત છેવાડાના વિસ્તારોમાં બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે અને અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો પુન: શાળામાં પ્રવેશ કરે તે માટે સરકાર પણ કાર્યશીલ રહે છે. સમગ્ર શિક્ષા અંતર્ગત 6થી 19 વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી ગયેલા બાળકોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ સર્વે અંતર્ગત ભાટસણ ગામમાં તથા ખેતર વિસ્તારની આસપાસ તથા દૂર દૂર રહેતા અને અભ્યાસ છોડી દીધેલ તથા ચાની કિટલી પર કામ કરતા બાળકો છે કે કેમ તે સર્વે માટે ભાટસણ પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય શૈલેષભાઈ સુથાર અને સમગ્ર સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી અને સચિન પટેલ દ્વારા ગામના યુવાનોનો સંપર્ક કરીને તેમને પણ અલગ અલગ રૂટ આપ્યા હતા કે જેથી આ પ્રકારના બાળકો મળી આવે તો શાળામાં જાણ કરી બાળકોના શિક્ષણમાં સહભાગી બનવા માટે હાકલ કરી હતી.
ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) ઘરબેઠા ધો. 9થી 12નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સ્કૂલમાં કદી શાળાએ નહીં ગયેલા હોઈ તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધા હોય તેવા તમામ જોડાઈ શકશે. આ માટે નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં જઈ રજીસ્ટ્રેશન કરાવવું આ રજીસ્ટ્રેશન નિ:શુલ્ક છે. જ્યાં સમગ્ર માહિતી આપવામાં આવશે. સાથે સાથે જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર સમગ્ર શિક્ષાની કચેરી પાટણ દ્વારા અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોના સર્વેની કામગીરીમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.