સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં વધુ અવશેષોની રોબોટિક કેમેરાથી શોધખોળ કરાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી સતત બે દિવસ સુધી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવતા ચકચાર મચી છે. પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષોને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ એક યુવતી લાપત્તા થયા બાદ તેનો દુપટ્ટો પાણીની ટાંકીમાંથી મળી આવતા આ અવશેષો તે યુવતીના જ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે પીવાના પાણીની પાઈપલાઈનમાં મૃતદેહના વધુ અવશેષો ફસાયા હોવાની આશંકાના પગલે તંત્ર દ્વારા રોબોટિક કેમેરાની મદદથી પાઈપલાઈનની તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. તપાસ માટે અમદાવાદથી એક ટીમ સિદ્ધપુર પહોંચી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સિદ્ધપુર નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળ્યા બાદ પાલિકા દ્વારા તાત્કાલીક પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. લોકોને ટેન્કર મારફત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. બે અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળતા હજી પણ વધુ અવશેષો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદથી રોબોટિક કેમેરા સાથેની એક ટીમ સિદ્ધપુર બોલાવવામાં આવી છે. જે પાઈપલાઈનમાં કેમેરાની મદદથી તપાસ કરશે.

સિદ્ધપુરમાં રહેતી લવિના નામની એક યુવતી 7 મેંના રોજ ગુમ થઈ હતી. તેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી પોલીસને મળી આવ્યા છે જેમાં ગુમ થયેલી યુવતી નજરે પડે છે. પાણીની ટાંકીની તપાસ કરતા પોલીસને એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે ગુમ થયેલી યુવતીનો હોવાનું માનવામાં આવે છે.

પીવાના પાણીની લાઈનમાંથી જે અવશેષો મળી આવ્યા છે તે ગુમ થયેલી યુવતીના જ છે કે નહીં તેના માટે DNA રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. ગુમ થયેલી યુવતીના માતા-પિતાના લોહીના સેમ્પલ લઈ અમદાવાદની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી આજે સાંજે રિપોર્ટ આવવાની શક્યતા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.