
પાટણમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, હાથી, ધોડા, બગીઓ અને ધાર્મિક વેશભૂષા સાથેના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
પાટણના બકરાતપુર ખાતે આવેલ માઁ હડકમાઇ માતાની પવિત્ર ભૂમિ પર સમગ્ર પટણી દેવીપૂજક સમાજની આસ્થાનું કેન્દ્ર અને પટ્ટણી દેવીપૂજક સમાજ માટે કાશી અને હરદ્વાર સમાજના પવિત્ર દેવકાહર ધામ નિર્માણ પામેલ છે. આ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રી દેવકાહર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે હોમ હવન તથા દેવી દેવતાઓની મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આજે રવિવારે ભવ્ય શોભાયાત્રા શહેરના પ્રગતિ મેદાન ખાતેથી નીકળી રેલવે સ્ટેશન, બગવાડા, હિગળાચાયર ત્રણ દરવાજા, કનસડા મોતીશા દરવાજા થઈ દેવકાહર ધામ ખાતે પહોંચી હતી. શોભાયાત્રા મોટી સંખ્યામાં પટણી સમાજના લોકો ગુજરાત ભર માંથી ઉપસ્થિત રહી શોભાયાત્રા માં જોડાયા હતા. અંદાજે 3 કિલો મીટર લાંબી આ શોભાયાત્રા યોજાઈ હતી.
આ શોભાયાત્રામાં નિશાન ડંકો,એક હાથી, ચાર ધોડા,વીસ વધુ બગીઓ, દસ ટ્રેક્ટર, ધાર્મિક વેશભૂષા સાથે ના ટેબ્લો મળી 58 થી વધુ જાખીઓ જોડાઈ હતી. તો શોભયાત્રાના રૂટ પર ઠેરઠેર પાણી શરબત ના સેવા કેમ્પ યોજાયા હતા. ત્યારે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણે દિવસ માતાજીના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવના ત્રણે દિવસ જાહેર જનતાને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પટણી સમાજના ગુજરાતભરમાંથી આવેલા સ્વયં સેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માનવ મેદની માતાજીઓના દર્શન નો લાભ લેવા ઉપસ્થિત રહેવાની છે, જે ધ્યાનમાં રાખી કાર્યક્રમના સ્થળે પાણી, લાઇટ, ચા-નાસ્તો, ભોજન તથા સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પટ્ટણી સમાજ શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હોઈ પાટણમાં શાકભાજી માકેટ ઉત્સવ દરમ્યાન રવિવારે અને સોમવારે સંપૂર્ણ બંધ રહેશે તેવું શ્રી દેવકાહર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા જણાવ્યું હતું.