
રાધનપુર-ભાભર હાઇવે પર જતી બ્રેઝા ગાડીમાં અચાનક આગ ભભૂકી
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પસાર થતા નાના મોટા વાહનોમાં ગરમીની હીટના કારણે આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે શુક્રવારના દિવસે રાધનપુર-ભાભર હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલ લકઝરીયસ કારમાં કોઇ આકસ્મિક કારણોસર આગ ભભુઠી ઉઠતા હાઇવે માર્ગ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ પાટણ જીલ્લાની રણકાંધીએ આવેલ રાધનપુર-ભાભર હાઇવે માર્ગ પર નંદી ગૌશાળા નજીકથી પસાર થઇ રહેલ બ્રેઝા ગાડીના બોનેટમાં કોઇ અગમ્ય કારણોસર શોટસર્કીટ થવાના કારણે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા હાઇવે માર્ગ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આકસ્મિક આગની ઘટનાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.