
રાધનપુરના ધરવડી માર્ગ પરથી પસાર થઈ રહેલા કપચી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકી
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની બળબળતી ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અને ગરમીથી બચવા લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. તો ગરમીના કારણે શહેરના બજાર માર્ગો અને હાઇવે પણ સુમસામ ભાસ્તા હોય છે.
ત્યારે હાઇવે પરથી ભારેખમ પસાર થતા વાહનોમાં ગરમીના કારણે ટાયર ફાટવાની તેમજ ગાડીમાં આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ઘટના રાધનપુરના ધરવડી પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલ કન્ટેનરમાં આગ ભભૂકી ઊઠવાની ઘટના રવિવારે બપોરે પ્રકાશમાં આવવા પામી છે.
પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર આવેલા ધરવડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ કપચી ભરેલા કન્ટેનરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા હાઇવે વિસ્તારમાં અફરા તફરી માહોલ સર્જાયો હતો. જો કે કન્ટેનરમાં આગ લાગવાની જાણ ચાલક સહિત કલીનરને થતા બંનેએ સમય સૂચકતા વાપરી કન્ટેનરને રોડ સાઈડ ઉભું રાખી સિફત પૂર્વક રીતે કન્ટેનર માંથી ઉતરી જતા ડ્રાઇવર કલીનર નો આબાદ વચાવ થવા પામ્યો છે.
તો કન્ટેનર માં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને તેમજ પોલીસ તંત્રને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કન્ટેનરમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.