
પાટણના કુણઘેર શિવધામ ખાતે બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી, ફાયર ફાઈટરોએ માંડ માંડ કાબૂ મેળવ્યો
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ત્યારે અવાર નવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. મંગળવારના રોજ બપોરે પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ શ્રી ચુડેલ માતા ધામ સંચાલિત શિવધામ મંદિર પરિસરમાં આકાર પામેલી અને 70 ફૂટની ઊંચાઈ ધરાવતી શિવજીની પ્રતિમાના નીચેના બેજમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડાના ગોટેગોટા સાથે આગ ભભૂકી ઉઠતા શિવધામમાં દર્શનાર્થે આવેલા ભક્તજનોમાં અફરા તફરી મચી જવા પામી હતી.
આગની ઘટનાની જાણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને થતા તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા અને કોઈ માનવ જાનહાની ન થતા દર્શનાર્થે આવેલા ભક્તજનો સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણે હાશકારો અનુભવ્યો હતો.