
સાંતલપુરનાં એક ગામની યુવતિના નામનું ફેક ઇન્સ્ટા. આઇ.ડી. બનાવીને અલગ-અલગ છોકરાઓ સાથે વાતચીત કરીને સ્ક્રીનશોર્ટ મોકલનાર સામે ફરિયાદ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસ.સી. સેમ-3માં અભ્યાસ કરતી અને સાંતલપુર તાલુકાનાં એક ગામે રહેતી 20 વર્ષની યુવતિનાં નામથી એક અજાણ્યા મોબાઈલ ધારકે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં આઇ.ડી. બનાવીને યુવતિનાં ગામનાં અને સમાજનાં છોકરાઓ સાથે યુવતિનાં નામથી બદઇરાદાથી વાતચીત કરીને
જેનાં સ્ક્રીનશોર્ટ યુવતિનાં નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.માં પોસ્ટ કરીને તથા સ્ટોરીમાં ચઢાવીને યુવતિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી હતી. જેથી આ યુવતિએ વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે એ મોબાઇલ ધારક સામે આઇપીસી 292/469 તથા આઇ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ આજથી બે મહિના પૂર્વે યુવતિ તેનાં ઘેર હતી ત્યારે તેનાં નાનાભાઇએ તેને વાત કરી હતી કે, તારા નામની ઇન્સ્ટાગ્રામ એપમાં કોઇકે આઇ.ડી. બનાવીને તારા ફોટા મૂકે છે અને તારા નામથી ગામનાં અને સમાજનાં અલગ-અલગ છોકરાઓ સાથે વાતચીત કરીને વાતચીતનો સ્ક્રીન શોર્ટ તારી આઇ.ડી.માં પોસ્ટ કરે છે.
ગઇ તા. 21-5-23નાં રોજ ઉપરોક્ત બાબતે યુવતિ તથા તેનાં પિતા અને તેનાં બનેવીએ પાટણ ખાતેની સાયબર સેલ પોલીસની ઓફીસે આવીને અજાણ્યા શખ્સ સામે અરજી આપતાં પોલીસે તેની તપાસ કરતાં તે દરમ્યાન સાયબર સેલ મારફતે યુવતિને જાણવા મળેલ કે, યુવતિનાં નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવનારા વ્યક્તિનો મોબાઇલ નંબર જાણવા મળ્યો હતો. એ નંબરથી યુવતિનાં નામની આઇ.ડી. ઓપરેટ થતી હોવાની હકીકત જાણવા મળી હતી.