અજાણ્યા શખ્સની સ્વીકારેલી ફેસબુક રિક્વેસ્ટએ પાટણના વેપારીનો જીવ લીધો

પાટણ
પાટણ

રાધનપુરના વતની અને ધંધા અર્થે પાટણમાં સ્થાયી થયેલા વેપારી સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી વોટ્સએપ ચેટ કરી ન્યુડ વીડિયો કોલનું રેકોડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવી આત્મહત્યા કરવા મજબુર કરનાર મેવાતી (હરીયાણા) ગેંગના એક આરોપીને પાટણ પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ દેશના અન્ય લોકો સાથે પણ આ પ્રકારના ગુનાઓને અંજામ આપ્યાની પોલીસની પ્રાથમિક પુછપરછમાં કબુલાત કરી હતી.

પાટણ ખાતે ધંધા અર્થે સ્થાયી થયેલા મુળ રાધનપુરના વતની ઠક્કર મૌલીએ એક વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા અગાઉ તે ગુમ થતા તેમના પિતા સતીષભાઇ ઠક્કરે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ મૌલીન ઠક્કરનો મૃતદેહ મળી આવતાં પોલીસે આઇપીસી કલમ 306, આઇ.ટી. એકટ કલમ 66 (સી), 66(ડી) મુજબ ગુનો નોંધી તપાસ એલ.સી.બી. પી.આઇ. એ.બી.ભટ્ટ, અને સાયબર ક્રાઇમ સેલના પી.એસ.આઇ. આર.કે.પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, મૃતક મૌલીન ઠક્કરને કોઇ અજાણ્યા ફેસબુક એકાઉન્ટથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ ચેટ થકી તેના ન્યુડ વીડિઓ કોલનું રેકોડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી.

હરીયાણાના ગુડગાંવ ખાતે મહિન્દ્રા કોટક બેંકના એકાઉન્ટ નંબર 1945329423માં રૂ.21000 જમા કરાવવાનું જણાવ્યું હતું. વારંવાર વીડિઓ વાયરલ કરવાની ધમકીઓ મળતા આ ત્રાસથી કંટાળેલા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં એકાઉન્ટની ટેકનીકલ તપાસ કરતા આ ગુનામાં અખલક અહેમદ અબ્દુલ્લાખાન મેઉ (રહે. મુન્દેતા, જિ.નુહ હરીયાણા)ને પીનાગવા, મેવાત ખાતેથી ઝડપી લીધો હતો.

પાટણ પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે દેશભરમાં અનેક શખ્સોને આ રીતે ફેસબુકમાં છોકરીના નામે એકાઉન્ટ ઉપર ચેટ કરી વીડિયો કોલ કરી ન્યુડ ક્લીપનું રેકોડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણીઓ કરવાના ગુનાઓ કરી હોવાની કબુલાત કરતા વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં લોકોને લલચાવી ફોસલાવી તેઓના વીડિયો ઉતારી બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું મોટુ રેકેટ ચાલી રહ્યું છે. જેથી કોઇ અજાણ્યા ફેસબુક એકાઉન્ટથી આવતી ફેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરનારા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.