
પાટણમાં ટીબીમુક્ત ભારત અંતર્ગત જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓની સાઇકલ રેલી યોજાઇ
ભારત દેશને 2025 સુધીમાં ટીબીમુક્ત દેશ બનાવવાની વડાપ્રધાનની હાકલ અંતર્ગત પાટણમાં જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓની સાઇકલ રેલી શેઠ એમ.એન હાઇસ્કુલ ખાતેથી યોજાઇ હતી.પાટણના શહેરીજનોમાં ટીબી અંગેની લોકજાગૃતિ આવે તેવા શુભ આશયથી જિલ્લા ટીબી વિભાગ દ્વારા લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સાયકલ રેલીમાં શેઠ એમ એન હાઇસ્કુલના 50થી વધુ વિદ્યાર્થીઓ સાયકલ રેલીમાં જોડાયા હતા અને આ સાયકલ રેલી પર વિવિધ સ્લોગન અને સુત્રો થકી શહેરીજનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
આ ટીબી મુક્ત ભારતની થીમ પર નીકળેલી સાયકલ રેલીનું પ્રસ્થાન પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા ટીબી અધિકારી સહિત શેઠ એમ એન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કરના હસ્તે લીલી ઝંડી આપી ટીબી મુક્ત ભારતની નીકળેલી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ટીબી અધિકારી ડી એન પરમાર એ જણાવ્યું હતું કે ભારત દેશને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આજરોજ શહેરીજનોની લોકજાગૃતિ અર્થે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભારત દેશને ટીબી મુક્ત કરવા તમામ લોકો નો સહયોગ અને સાથ આપવા પણ અપીલ કરી હતી.