
પાટણના હિંગળાચાચરમાં ખરીદી કરવા આવેલી મહિલાની થેલી પર ચેકો મારી 30 હજારની ચિલઝડપ
પાટણ શહેરના હીંગલાચાચર વિસ્તારની બજારમાં ગ્રાહકોની ભારે ભીડ વચ્ચે કોઈ તસ્કર ચાલાકીથી એક મહિલા પાસે રહેલી પ્લાસ્ટીકની થેલી પર બ્લેડથી ચેકો મારીને અંદર પડેલું રૂ. 30 હજાર રોકડ ભરેલું પાકિટ સિફટપૂર્વક કાઢી લઇને પળવારમાં ક્યાંક ગાયબ થઇ ગયો હતો. આ મહિલા તેનાં પરિવારજનો સાથે પાટણ એ- ડીવીઝન પોલીસ સ્ટેશને આવીને પોલીસને રજુઆત કરતાં પોલીસે તુરત જ મહિલાને સાથે લઈને હિંગળાચાર વિસ્તારમાં તપાસ અર્થે ગઈ હતી.
આ વિસ્તારની દુકાનોના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ અત્યારે લગ્નની મોસમ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલા તેના પરિવારના સભ્યો સાથે ખરીદી માટે આવી હતી. મહિલા પાટણના હિંગળાચારથી આગળ ગિરધારીલાલ ખત્રીની દુકાનથી એક જ્વેલર્સની વચ્ચેના ભાગે ચણીયાની દુકાનમાં જ ખરીદી કરતી હતી ત્યારે તેની નજર ચુકવી લોકોની ભીડનો લાભ ઉઠાવીને તેની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલા કપડાની સાથે મુકેલું પાકિટ થેલીમાં ચેકો મારીને ચોરી લીધું હતું. આ પાકિટમાં રૂા. 30 હજાર હતા.