
પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે વ્રતધારી 500 મહિલાઓએ સમૂહમાં પૂજન-અર્ચન કર્યું
આસો મહિનાના વદ પક્ષની ચોથ એટલે આજે સમગ્ર દેશમાં કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. આથી વ્રતના ભાગરૂપે સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખીને પતિના લાંબા આયુષ્ય માટે કામના કરશે. આ વ્રત આજે સૂર્યોદય સાથે શરૂ થઇ ગયું છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂર્ણ થશે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને મહિલાઓ આ વ્રત ખોલશે.
ઉલ્લેખનીય છે કે આ વ્રતમાં ચોથ માતા અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે.ત્યારે આવા પવિત્ર અવસરે પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલની પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહમાં કડવાચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેથી સુભાષચોક વિસ્તારની 500 વધુ મહિલાઓએ આજે સમૂહમાં કડવાચોથની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી.