પાટણ જિલ્લામાં હાઈવે વરસાદથી 271 રસ્તાઓની બિસમાર હાલત

પાટણ
પાટણ

ચોમાસામાં પડેલા વરસાદના કારણે પાટણ જિલ્લામાં હાઈવે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને જોડતારસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલની સ્થિતિએ 271 માર્ગોની હાલત બગડી ગઈ છે. જેમાં ખાસ કરીને કચ્છના કંડલા પોર્ટથી રાજસ્થાનને જોડતાં સિધાડાથી સુઈગામ 20 કિલોમીટર સુધી રસ્તા પર ખાડા જ ખાડા હોવાથી ભારે વાહનોને પસાર થવામાં અવરોધ ઊભો થઈ ગયો છે. પાટણ ખાતે ચાણસ્મા હાઇવે પર સુદામા ચોકડી પાસે તેમજ રાજપુર તરફ જતા હાઇવે પર 10થી વધુ ખાડાઓ પડી ગયા છે.સુદામા ચોકડી પર એટલા ખાડા પડ્યા છે કે વાહનનું ટાયર તેમાં પટકાયા વગર પસાર થઈ શકતું નથી. વરસાદ હોય તે વખતે રોડ પાણી ભરાઈ જતા દેખાતા નથી અને વાહનો પટકાય છે. સમીથી શંખેશ્વર હાઇવે નવીનીકરણનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે.એક લેયરનું કામ પૂર્ણ થયું છે અને બીજું લેયર અડધું થયું છે ત્યાંજ વરસાદ થતા ગાબડાં પડી ગયા છે.

ગ્રામ્ય વિસ્તારને જોડતા 88 કિલોમીટર લંબાઇના 271 રસ્તાઓની હાલત ખરાબ છે. જેમાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 92, પાટણ તાલુકામાં 72, સાંતલપુરમાં 40, રાધનપુરમાં 38, ચાણસ્મામાં 16 ,હારિજમાં 10 અને સમી પંથકમાં 3થી વધુ રસ્તાઓ પર ખાડા અને સરફેસિંગ ખરાબ થઈ જતા રસ્તાઓ રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. પાટણ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર એસ.જી વાયડાએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદના કારણે હાલમાં પ્લાન્ટો બંધ છે. પ્લાન્ટો શરૂ થયા બાદ ઓક્ટોબરથી રસ્તાઓના રિપેરિંગ રીસર્ફેસિંગ અને નવીનીકરણના કામો શરૂ થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.