ટ્રાફિક જામ થતો હોવાની ફરીયાદો ઉઠી હોવાથી લારીઓનાં દબાણો દૂર કર્યા
પાટણમાં લારીઓનાં દબાણો હટાવાતાં વેપારીઓ પાલિકામાં રજૂઆત માટે દોડી આવ્યા: પાટણ શહેરનાં આનંદ સરોવરથી પ્રગતિ મેદાન થઇને બી.એમ. હાઇસ્કૂલ સુધીનાં રોડ ઉપર આડેઘડ લારી ગલ્લાઓ તથા પાથરણાં બજાર, શાકભાજી, ખાણી પીણી, સાડીઓ વસ્ત્રો વિગેરેનાં ઠેલાઓનો રાફડો ફાટતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામ થવાની સાથે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી નડતી હતી. જેથી પાટણ નગર પાલિકાની સ્વચ્છતા શાખાની ટીમે રેલ્વે સ્ટેશનથી ગાંધીજીની પ્રતિભામાં ઢાળ અને બી.એમ. હાઈસ્કૂલ સુધીનાં રોડ ઉપરનાં લારી ગલ્લાઓને હટાવી દીધા હતા.
જેનાં કારણે આ લારીઓ અને છૂટક વેપારીઓ પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં દોડી આવ્યા હતા અને પ્રમુખ સમક્ષ આ બાબતે રજુઆત કરી હતી. એક સભ્યએ જણાવ્યું કે, અહીં આ રોડ ઉપરથી પસાર થતી શાળાની વિદ્યાર્થીનીઓની મશ્કરીઓ થતી હોવાની તથા તે વિસ્તારની સોસાયટીઓની અરજી આવતા સહિત ટ્રાફિક જામ થતો હોવાની ફરીયાદો ઉઠી હોવાથી આ લારીઓનાં દબાણો દૂર કર્યા છે.