વિધાનસભામાં વાવૈચી પાઘડીનો વટ

પાલવના પડછાયા

વાવૈચી વિસ્તારના લોકો જ્યારે ગુજરાતમાં પોતાની આગવી પોશાક માથે પાઘડી, સફેદ ખમીશ અઢિવટોં અને ખભે ખેશિયુ નાખી થરાદની લાંબી ચાંચ વાળી મોજડી પહેરીને જાય છે ત્યારે એમની એક વિશિષ્ટ છાપ ઊભી થાય છે. ગુજરાતના લોકો એમને મારવાડી કહે પરન્તુ જ્યારે મારવાડમાં જાય ત્યારે એમની ભાષા – ચમશો, હુ શે, “ચો જ્યા તા” સાંભળીને એમને ગુજરાતી કહે. આમ બંને પ્રદેશો રાજસ્થાન અને ગુજરાતની સંયુક્ત સંસ્કૃતિનો વારસો જાળવતો પરગણુ એટલે વાવૈચી અને થરાદરી.
લોકશાહી આવી અને લોક પ્રતિનિધિ રાજધાની તરફ જવા લાગ્યા. વાવ-થરાદના વિધાયકના રૂપમાં એક ખાખી પાઘડી ધારણ કરેલા સાદા ગામઠી માણસ પણ રાજધાની આવ્યા. એક અંગ્રેજી અખબારના સમાચાર પત્રના પત્રકારની નજર એમના પર પડી અને તે દોડી આવ્યો. એમને પ્રશ્ન કર્યો. ‘તમે કોણ?’ સાવ સીધા સાદા લાગતા આ માણસે જવાબ આપ્યો – “હું હેમાજી રાજપૂત વાવ થરાદનો એમલો.” એમના જીભે હજી એમએલએ અંગ્રેજી શબ્દ ચડ્યો નોતો. પેલા પત્રકારના આશ્ચર્યનો પાર નોતો. એને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે વિધાનસભા ગૃહમાં તે પહોંચ્યો તો શું જાેવે છે. હાથમાં કાગળ લીધા વગર પોતાની ઠેઠ થરાદરી ભાષામાં સીમાડા વિસ્તારમાં પાણીની એક-એક બૂંદ માટે ટળવળતા માણસોની પીડાને એ પોતાની પીડા માની વિધાનસભાના મંત્રીશ્રી સામે રજૂઆત કરી રહ્યા હતા. એમની ભાષામાં ક્યાંય છલ-કપટ કે ચતુરાઈ નોતી. એમના શબ્દો સીધા હૃદયથી મુખ વાટે નિકળતા હતા. આ હતા વાવ-થરાદના ધારાસભ્ય હેમાજી રાજપૂત. હેમાજી ત્રણ-ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. પરન્તુ એમના ચરિત્રને બેદાગ રાખ્યુ. વિધાનસભામાં એક વખત ચુંટાયેલા માણસોના ચરિત્ર બદલાઈ જતા હોય છે. લોક ચિંતા સ્વચિંતામાં ફેરવાઈ જતા વાર નથી લાગતી. પરંતુ આ તો ધરતીનો પુત્ર. વ્યવસાએ ખેડુત એટલે ખેડુતોની પીડાને તે સારી પેઠે ઓળખે.
વર્ષ ૧૯૯૪-૯૫માં હું ગાંધીનગર રહેવા ગયો ત્યારે બનાસકાંઠાના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ ગાંધીનગર ભણવા આવતા. ગાંધીનગર કર્મચારીઓનું નગર. સરકારી મકાન ઝાઝા પરન્તુ પ્રાઇવેટ મકાન બહુ ઓછા. અમારે રહેવું ક્યાં તે મોટો પ્રશ્ન હતો. એક મિત્રે સુજાવ આપ્યો તમે એમએલએ ક્વાર્ટરમાં રહેવા જતા રહો. કયા એમએલએ જાેડે જવું. પેલો કહે તમારા વિસ્તારના ધારાસભ્ય હોય તેમને ત્યાં. મને મુંઝવણ થઈ. હું જાેધપુરથી સીધો ગુજરાત આવ્યો હતો ખાસ. ધારાસભ્યજીનો પરિચય નહીં. પરન્તુ ખાનદાની ઓળખ તો ખરી જ. સાહસ જુટાવી. એમ.એલ.એ. ક્વાર્ટર પહુંચી ગયો. બેઠક રૂમમાં બેચાર છોકરા બેઠા હતા. મૈં એમને કીધું મારે એમ.એલ.એ. સાહેબને મળવું છે. છોકરો અંદરના રૂમમાં ગયો અને મને આવીને કીધું-અંદર જાઓ. હું રૂમમાં ગયો. સામે એક પાઘડી પહેરેલા મારા દાદાજી જેવા માણસ બેઠા કોઈકને કંઈક લખવાની રહ્યા હતા. એમણે પોતાની નાની આંખોથી ચશ્મા ઊપર ચડાવી મને જાેયો અને કુર્સીની તરફ ઇશારો કરી બોલ્યા- બેસો. મારી ઉમ્ર ત્યારે પચ્ચીસ વર્ષ. વડીલો બેઠા હોય ત્યાં બેસાય નહીં એવા અમને બચપણથી સંસ્કાર આપેલા. એટલે મેં પ્રણામ કરતા કીધું હું ઠીક છું. મેં ઊભું રહેવાનું વધારે પસંદ કર્યું. તે કહે ના ના બેસો!” એમના આગ્રહને વશ થઈ હું બેસી ગયો. પછી એમણે પેલા માણસને કીધું આ લેટરપેડ પર લખી કાઢ અને મુખ્યમંત્રીને મોકલી દે. પછી એમણે મને પ્રશ્ન કર્યો- “કયું ગૉમ?” મૈં કીધું ઢીમા. કોના દીકરા છો. મૈં મારા પિતાશ્રીનું નામ કીધું અને એ બોલ્યા – ભગવાનજીના પૌત્ર છો? મેં કીધું- હા. એમના ચેહરા પર વાત્સલ્ય ઉમડી આવ્યું. અરે તમે તો ઘરના દીકરા છો. પોતાના પૌત્ર વિક્રમભાઈને અવાજ આવ્યો પાણી લાવ. ચાનુ કે. એમના વ્યવહારમાં એટલી મમતા હતી કે હું ભુલી ગયો કે હું એક ધારાસભ્ય સામે બેઠો છું. એક પળમાં એમણે મારું મન હરી લીધું હતું. પછી મૈં એમને કીધું કે મારે એમ.એલ.એ. ક્વાર્ટરમાં રહેવું છે. એમનો જવાબ હતો. આ તમારું જ છે. તમે આરામથી રહો. બીજે ક્યાંય રહેવાનું નથી. તમારે અહીંયા જ રહેવાનું છે. આ બધા છોકરા આપણે ત્યાં જ રહે છે. વર્ષ ૧૯૯૪-૯૫માં ગાંધીનગર ભણતા બધા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને ખયાલ જ હશે કે બે એમ.એલ.એ. ક્વાર્ટરને ક્યારેય તાળુ નોતું વાગતું. એક વાવના ધારાસભ્ય હેમાજી રાજપૂતનું ક્વાર્ટર અને બીજુ દિયોદરના ધારાસભ્ય ગુમાનસિંહજી બાપુનું ક્વાર્ટર. તે બનાસકાંઠાના તમામ જાતિના લોકોના વિદ્યાર્થીઓ માટે એક આશ્રય સ્થાન હતું. હેમાજી કે એમના પરિવારનો કોઈ પણ સદસ્ય ક્યારેય ના પૂછતો કે ફલાણો છોકરો કયા વિસ્તારનો છે? કે પછી કઈ કોમનો છે? લોકો અમને હસીને કહેતા- આ ક્વાર્ટર તો ધર્મશાળા છે. અમે એમને જવાબ આપતા કે ધર્મશાળા નહીં આ તો અમારા હેમાબાની કોટડી છે. જ્યાં બારોમાસ સદાવ્રત ચાલુ રહે છે.
હેમાજી રાજપૂત બહુ જ લોકપ્રિય આગેવાનરહ્યા. વિધાનસભાનો રંગ બદલાઈ રહ્યો હતો. પુરી વિધાનસભામાં બે પાઘડિયો દેખાતી. એક વાવના હેમાજી અને બીજી કાંકરેજના ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા. તે હંમેશા સફેદ પાઘડી પહેરતા અને હેમાજી ખાખી. તે સમયે હેમાજી વાવૈચી પાઘડીનો વટ હતા. પોતાની ગામઠી ભાષામાં વિરોધપક્ષમા બેસીને સત્તાપક્ષને પણ રોકડુ પધરાવી દેતા. ભારતીય જનતા પાર્ટીના જ્વાલ વચ્ચે પણ તે ચુંટણી જીત્યા અને વિધાનસભા પહોંચ્યા ત્યારે લોકોનો આશ્ચર્યનો પાર નોતો. સ્વયમ્‌ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને ભૈંટીને અભિનંદન આપેલા. મને પણ ભારે આશ્ચર્ય થયું. આ સામાન્ય લાગતા ખેડુત માણસમાં એવું તે શું છે કે લોકો એમને વારંવાર ચુંટી લાવે છે. તે ખાસ ભણેલા નહીં. પણ અણિશુદ્ધ ગણેલા ખરા. એમની સાથે એક વખત યાત્રા કરવાનું થયું. મારે ઢીમા જવું હતું. હેમાબાપુએ મને એમની ગાડી જીપમાં બેસાડી દીધો અને ગાંધીનગરથી અમે રવાના થયા. પછી તો એટલા સ્ટેશન આવ્યા કે ગાડી સાંજે થરાદ પહુંચી. ગાંધીનગરથી કોલવડા, રાંધેજા, વાવોલ, વિસનગર, ગોજારિયાનના ગામડાઓમાં બેઠા. ખેતરોમાં કામ કરતા ઠાકોર, રબારી, હરિજન, ઓડ અને કેટકેટલા માણસો જે હમવતની હતા અને અહીંયા મજુરી કાજે આવેલા હતા. તે બધાની ખબર અંતર પૂછવા હેમાજી ગયા. એમને કોઈ તકલીફ તો નથી ને પરદેશમા. બધાના છોકરાઓના હાથમાં બે-પાંચ-દસ રૂપિયા આપવાના અને પૂછવાનું આવું હોય તો ચાલો. હું થરાદ જાઉં છું. એક ધારાસભ્ય નાના ખેત મજુરની ઝોપડીયે જાય તે મોટી વાત હતી. એમને આંખોમા ભારોભાર પ્રેમ હતો. મને કબીર યાદ આવી જતા.
“પૌથી પઢ પઢ જગ મુંઆ
પંડિત ભયા ન કોઈ.
ઢાઈ આખર પ્રેમ કા
પઢે સો પંડિત હોય.”
આજના ધારાસભ્યો લોક નેતા ઓછા અને લોક સાહેબો વધારે હોય છે. એમને મળવું હોય તો વેઇટિંગ રૂમમાં બેસવું પડે અને એમની સામે રજુઆત કરવા તો સામાન્ય માણસને દેવતા જેવો ભય લાગે. પરંતુ હેમાજી રાજપૂત સામે પગળે સામાન્ય માણસની ઝોપડિયે જાય. તેમનું અદ્‌ભુત વ્યક્તિત્વ હતું અને આ અહંકાર નિર્લેપ વ્યક્તિત્વના કારણે જ તે લોકોના હૃદય પર રાજ કરતા હતા.
જાતિ વિગ્રહ અને સાંપ્રદાયિકતા આજની રાજનીતિના હથિયાર છે. આજની રાજનીતિ આ બંને પાયા પર ઊભી છે. મોટી કોમના રાજનેતાઓ ભયંકર રૂપથી જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત છે. સાર્વજનિક સંસ્થાઓમાં પોતાની વોટ બેંક જાળવવા માટે તે સતત પોતાની જાતને પ્રધાનતા આપતા રહે છે. વ્યક્તિગત ઝગડાને કોમના ઝગડા ગણાવી દઈ પક્ષ લેતા પણ તે અચકાતા નથી. પરન્તુ હેમાજી રાજપૂત આ બધી મર્યાદાઓથી મુક્ત હતા. એમણે ધર્મને રાજનીતિનું સાધન ક્યારેય બણાવ્યું નહીં. હા પોતાને જે યોગ્ય લાગ્યુ તો સારા કામમાં તુરન્ત ભાગીદારી કરી. કડીમાં રહેતા અને આરએસએસ સાથે વર્ષોથી જાેડાએલા આગેવાન લાલજીભાઈએ એમને શ્રદ્ધાંજલી આપતા લખ્યું- “આજન્મ કાંગ્રેસના કાર્યકર્તા હોવાથી માજી ધારાસભ્ય શ્રી હેમાભાઈ રાજપૂત સુઈ ગામ જેવા બોર્ડના દાણચોરી જેવી પ્રવૃત્તિના ચોકીદાર હતા અને પૂજ્ય સંતશ્રી સચ્ચિદાનંદના એક વિશેષ ભક્ત હોવાથી મારો સારો સંપર્ક રહેલો. પ.પૂ. ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દિ રથયાત્રાના થરાદ વાવ વિસ્તારમાં ખૂબ સહયોગ મળ્યો એનો હું સાક્ષી છું. ભણેલા ઓછું પણ દેશભક્તિનું આચરણ એમના જીવનનું અનેરું પાસું સ્મરણ કરી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.!” એક કોંગ્રેસી વ્યક્તિને વિરોધી વિચારધારાવાળા વ્યક્તિ પણ હૃદયથી પ્રેમ કરે તેવુ સહૃદય વ્યક્તિત્વ ધરાવતા હતા હેમાજી રાજપૂત. એમનું જવું વાવૈચી અને થરાદરીના સાર્વજનિક મંચને એક મોટી ખોટ છે. મને એમનું એક વાક્ય બહુ જ પસંદ હતું. “આપણે તો નાની નાની કોમના નેતા. એમને કોણ જાળવશે. મોટી નાતો એમને ખાઈ જશે.” લોકતંત્રની મોટી કમજાેરી ભીડતંત્ર પણ છે અને હેમાજી આ કમજાેરીને બહુ જ સારી રીતે જાણી ગયા હતા. એટલે જ એમણમે નાના સમાજાેને સદૈવ સાચવ્યા. એમની પડખે ઊભા રહ્યા. મૃત્યુ અમિટ છે એને આપણે ટાળી શકતા નથી. ભવિષ્યની પીઢી એમના મૂલ્યોને સાચવી રાખશે તેવી અભિપ્સા સાથે એમને હૃદયથી કોટિ-કોટી શ્રદ્ધાંજલિ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.