કોણ કહે છે હું કમજાેર છું, બુદ્ધિહીન છું કે ધરતી પર બોજ છું, અરે હું તો દિકરી, પત્ની અને માતા જ નહિ પરંતુ જગતની નિર્માતા છું..

પાલવના પડછાયા

ક્યારેક ચાર દીવાલો વચ્ચે મારી ચીસો કોઈ કાયરના બે હાથથી દબાઈ હશે,
ક્યાંક મારા અંતરના આસું કોઈ દયનીય મજબૂરીથી છુપાયા હશે,
ક્યાંક મને પૈસાથી તોલાઈ હશે, તો ક્યાંક મને અપમાનિત કરાઈ હશે,
ક્યારેક મને બોલતી અટકાઈ દેવાઈ હશે, તો ક્યાંક મારા સ્ત્રીત્વ ઉપર લાંછન લગાયા હશે,
ક્યાંક મારી પરિસ્થિતિ ને પણ અવગણાઈ હશે, તો ક્યાંક મારા સમયને પણ થભાઇ દેવાયો હશે,
તો પણ કાયર હું સમર્પણ સ્વીકારીને તારી સાથે છું,
મારા આસું લૂંછીને તારી સામે હસતી રહુ છું,
અપમાન ભૂલીને મારું જ છે તે રીતે જીવું છું,
ઘણું બોલી શકું છું છતાં મૌન રહીને તને જીતાડુ છું,
સમય મારો હોય છતાં તારા સમય સાથે ચાલુ છું,
અને જયારે સહનશકતીની હદ આવી જાય ત્યારે કુદરતને ખોળે જાવ છું,
છતાં મૃત્યુ પછી દુનિયા કહે છે હાય કેવી હશે તે?
હે કુદરત શું તારી કારીગરી! કે તે આવા દુષ્ટ લોકોને માનવદેહ આપ્યો,,,,
મિત્રો કવિતાની કડીઓ દ્વારા તમે સમજી ગયા હશો કે હું શું કહેવાય માંગુ છું, અને કોની વાત કરું છું જી હા હું એક નારીની જ વાત કરી રહી છું. કહેવાય છે કે નારી તારા નવલા રૂપ.. નારી દરેક સ્વરૂપમા મહાન છે, જયારે તે એક દિકરી તરીકે જન્મ લે છે ત્યારે માતા પિતા સાથે તેનો અનન્ય લાગણી ભાવ હોય છે, તે જીવનના અંત સુધી રહે છે. દુનિયા બદલાય પરંતુ એક દિકરી ક્યારેય તેના માતાજી પિતા માટે બદલાતી નથી, પછી આવે છે વાત પત્નીની કે જે પોતાનું સઘળુંએ ન્યોછાવર કરીને, પારકાને પોતાના કરવા નીકળી પડે છે ત્યાં તેને સુખ પડે કે દુઃખ બધું જ ભૂલીને સમર્પણ ભાવ સાથે જીવનસાથીના કદમથી કદમ મિલાવીને ચાલે છે અને દરેક જવાબદારી હસતા મોઢે સ્વીકારે છે તે આદર્શ સ્ત્રી એટલે પત્ની.પત્ની બનવું પણ દોસ્ત સહેલું નથી જ, તે માટે પણ શક્તિની સાથે સહનશક્તિ જરૂરી છે, પત્ની માટે જ ઉપરની ચાર લાઈનો મે લખી છે. કોણ કહે છે જમાનો બદલાયો છે હજુ પણ ચાર દીવાલો વચ્ચેની ચીસો ગુમરાહ છે તે ક્યારેય બહાર નહિ આવે,પત્નીની કરુણતા જાેવો તે રોઈ પણ નથી શકતી, ક્યાંક પૈસા જેવી બાબતોમા પણ તેને અપમાનિત કરવામાં આવે છે ક્યારેક તેના શબ્દોને પણ અવગણવામા આવે છે તો ક્યારેક તેને પોતાના સમયને, સુવિધાને પોતાની પરિસ્થિતિને એક બાજુ રાખી પતિના પડ્યા બોલ જીલવા પડે છે તો પણ હસતા મુખે બધું જ સહન કરનારી નારી એટલે પત્ની.
એક આદર્શ પત્ની પછી વાત આવે એક માતાની જેનો દરજ્જાે આ દુનિયામા કોઈ લેનાર નથી, એક જીવમા થી બીજાે જીવ લાવવાનો અધિકાર જાે કુદરતે કોઈને આપ્યો હોય તો એ માતા છે, કુદરતી દરેક બનાવોમા થી પસાર થઇને, કંઈક કેટલીય સમસ્યાઓ વેઠીને અને અંતમા મોત જ સામે ઉભું છે તેવી જ પરિસ્થિતિ અને દર્દ સહન કરીને પોતાના બાળકને આ દુનિયામા લાવે છે.. અને પછી તેનું લાલન પોષણ, તેનો ઉછેર અને તેના અભ્યાસમા માતા પોતાના મોટા ભાગના સમયને વ્યતીત કરી દે છે, માતા એક માતા જ નહિ પરંતુ એક શ્રેષ્ઠ નિર્માતા છે, તેનામા સર્જન કરવાની ક્ષમતા છે, કંઈક અજુગતું અને અલગ કરવાની આવડત છે, પોતાના દમ પર જીવવાની તેનામા શક્તિ છે, શક્તિની સાથે તેનામાં સહન શક્તિ પણ છે, કડવા વેણોને ગળી જવાની તેનામાં ગજબની કુશળતા છે તેથી જ તેને ભગવાન કરતા પણ ઊંચો દરજ્જાે પ્રભુએ સ્વયં આપ્યો છે.
એક મા ક્યારેય પોતાના બાળકનું ખોટું ના વિચારી શકે. પણ તે જ સંતાનો મોટા થઇને કદાચ મા ને સમજીના શકે, તેના સમર્પણને અનુભવીના શકે, તેને ખરીખોટી સંભળાવે, તને ખબર ના પડે તેવા અપમાનજનક શબ્દો વાપરે, તેને આશરો ના આપે ત્યારે મા ના અસ્તિત્વમા ઉઝરડા પડે છે અને તો પણ તેના મુખમા એક જ શબ્દ હોય છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ભાઈના થાય આ મહાન દેહ એટલે ભાઈ મા નો હોં..
આમ સ્ત્રી વિશે લખવા બેસું તો કલમ અને કાગળ પણ ઓછા પડે.. આ હતો નારીદિવસ માટે ના કેટલાક અંશો.. વધુ આવતા અંકે..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.