
બાઇક પાર્ક કરીને ઉભેલા બે મિત્રોને બસે ટક્કર મારી : એકનું કરૂણ મોત
વડગામ તાલુકાના છાપી નજીક મજાદર હાઇવે ઉપર રવિવાર રાત્રે રાજસ્થાન તરફ થી આવતી બસના ચાલકે બાઇક સાથે હાઇવે પાસે ઉભેલા બે યુવકો ને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એકને સામાન્ય ઇજા પહોંચી હતી.
પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ મજાદર હાઇવે ઉપર રોડની સાઈડમાં બાઇક પાર્ક કરી બે મિત્રો ઉભા હતા.તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી રાજસ્થાન નિગમની એસ.ટી.બસ ના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી બાઇક તેમજ બન્ને મિત્રોને જોરદાર ટક્કર મારતાં અતુલભાઈ દશરથભાઈ મેવાડા ઉ.વ. ૩૬ ને માથા તેમજ શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સુનિલભાઈને માથા તેમજ શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતના પગલે મૃતકના ભાઈએ એસ.ટી.બસ નંબર આરજે.ર૩.પીએ.૮૭૭૮ના ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.