
સુનિલ શેટ્ટીને ગુજરાતી મુસ્લિમ છોકરી સાથે થયો હતો પ્રેમ
મુંબઈ, સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ સોમવારે જ તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. અથિયા-કેએલ રાહુલના વેડિંગ ફોટોઝ અને લવ બર્ડ્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ તેમના લગ્નને છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા હતા અને લગ્નની વિધિ પૂરી થયા બાદ જ આ કપલ એકબીજાનો હાથ પકડીને મીડિયાની સામે પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અથિયા-કેએલ રાહુલની લવ-સ્ટોરી ચર્ચામાં પણ રહી છે, પરંતુ અથિયાના માતા-પિતા એટલે કે માના શેટ્ટી અને સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પણ એક સમયે ઓછી ચર્ચામાં ન હતી.
કારણ કે, બોલિવૂડ એક્ટર સુનિલે ગુજરાતી મુસ્લિમ પરિવારની માના કાદરી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે સુનીલ શેટ્ટીએ માના સાથે લગ્ન કર્યા ત્યારે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. પરંતુ, શું તમે જાણો છો કે સુનીલ અને માના પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ? ચાલો આજે તમને બોલીવુડના પાવર કપલની ફિલ્મી લવ-સ્ટોરી અંગે પણ જણાવીએ. સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પેસ્ટ્રીની દુકાનમાં શરૂ થઈ હતી, જ્યાં અભિનેતાએ માનાને પહેલીવાર જોઇ હતી. તે મોબાઈલનો જમાનો નહોતો, આવી સ્થિતિમાં સૌથી પહેલા તો અભિનેતાએ માનાની બહેન સાથે મિત્રતા કરી હતી. પહેલી નજરે જ માનાને પોતાનું દિલ આપી દેનાર સુનીલ શેટ્ટી તેની નજીક જવાના બહાના શોધવા લાગ્યો હતો. માનાની બહેને જ સુનીલને પહેલીવાર તેની સાથે વાત કરાવી હતી.
ત્યાર પછી બંને વચ્ચે વાતો વધતી ગઈ અને વાતોની સાથે સાથે નિકટતા પણ વધી ગઈ હતી. આખરે ૧૯૯૧માં લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધ હતા.. સુનીલ તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તેનો પુરાવો તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. જ્યાં બંનેની જીવનની કેટલીક પળો ફોટો સ્વરૂપે શેર કરવામાં આવી છે. લગ્નના એક વર્ષ પછી જ માનાએ તેના અને સુનિલના પ્રથમ બાળક અથિયાને જન્મ આપ્યો. જેણે બાદમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની આગવી સ્ટાઈલથી ઘણી હેડલાઈન્સ બનાવી. માના અને સુનીલ શેટ્ટીને બીજો પુત્ર અહાન શેટ્ટી છે અને તેણે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. અહાને ૨૦૨૧માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંને ભાઈ બહેન બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવી ચૂકયા છે. અહાન પોતાની ફિલ્મમાં તારા સુતરિયા સાથે જોવા મળ્યો હતો. ચર્ચા છે કે અહાનને હવે તેની કારકિર્દીની બીજી ફિલ્મ પણ મળી છે, જેનું શૂટિંગ આ વર્ષથી જ શરૂ થશે એવા સમાચાર મળ્યા છે.