
રાખડીનાં ભાવમાં વધારો છતાં બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. આ દિવસ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. રક્ષાબંધન માટે બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરવા પહોંચી રહી છે. આ વર્ષે બજારમાં 4000થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે, જોકે ગત વર્ષની સરખામણીએ રાખડીમાં કોઈ ખાસ નવી ડિઝાઇન નથી, પરંતુ ગોટા અને નાડાછડીની બનેલી હળવીફૂલ ડિઝાઈનની રાખડી ઓલટાઈમ હોટ ફેવરિટ છે. રાખડીમાં આ વર્ષે 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારો છતાં પણ બજારોમાં છેલ્લા દિવસો સુધી ધૂમ ખરીદી જોવા મળી રહી છે.
રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડીની ખરીદી કરતી હોય છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ રો-મટીરિયલના થયેલા ભાવમાં વધારાના કારણે 10 થી 20 ટકાનો ભાવ વધારો રાખડી બજારમાં જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ આવી ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી છે.