ડીસામાં ચીફ ઓફિસર દ્વારા જાહેરમાં અપશબ્દો બોલવા બાબતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
મંગળવારે ડીસાની આદર્શ હાઈસ્કૂલ પાછળ પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન પાલિકા ચીફ ઓફિસર જાહેરમાં અપશબ્દો બોલતા હોવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેના પગલે કોંગ્રેસ દ્વારા ઓફિસરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગેસના કાર્યકરો પાલીકા કચેરી પહોંચી ચીફ ઓફિસર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેમની બદલીની માંગ કરી હતી. ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ ગઈકાલે રોડ પરના ગેર કાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પોલીસ કાફલા સાથે પહોંચી ૧૨ જેટલા કાચા અને પાકા દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા. તે સમયે સ્થાનિક દબાણદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો જેમાં એક મહિલા દબાણ બાબતે વાત કરવા જતા ચીફ ઓફિસર પંકજ બારોટે તેને જાહેરમાં અપશબ્દો બોલી હડધુત કરી હતી. ચીફ ઓફિસર જાહેરમાં ગાળો બોલતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમની સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જેમાં આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ ચીફ ઓફિસરના વિરોધમાં સૂત્રોચાર સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરની ચેમ્બર આગળ જ તેમની બદલીની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા અને ચેમ્બરને પણ તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડીસા શહેર દક્ષિણ પોલીસ અને નગર પાલિકાના કર્મચારીઓએ સમજાવતા કોંગ્રેસ કાર્યકરોએ ઘરણા સમેટયા હતા. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.