
કાવેરી જળ મુદ્દે આજે બેંગલુરુ બંધ, સમગ્ર શહેરમાં 144 લાગુ; શાળા-કોલેજોઓમાં રજા
કાવેરી નદીમાંથી પાણી છોડવાના વિરોધમાં કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ઘણા સંગઠનોએ બેંગલુરુ બંધનું આહ્વાન કર્યું છે. બંધના એલાનને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શાળા-કોલેજો પણ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કાવેરી જળ વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. સોમવારે લખેલા પત્રમાં દેવેગૌડાએ કહ્યું હતું કે પીએમએ જલ શક્તિ મંત્રાલયને કાવેરી નદી ક્ષેત્રના તમામ જળાશયોનો અભ્યાસ કરવા માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરવાનો નિર્દેશ કરવો જોઈએ. આ એજન્સી આ નદી સંબંધિત વિવાદમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર સરકારથી સ્વતંત્ર હોવી જોઈએ. દેવેગૌડાએ એમ પણ કહ્યું હતું કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર વચ્ચે) નિષ્ફળ જવાને કારણે કર્ણાટકમાં કાવેરી નદી ક્ષેત્રના ચાર જળાશયોમાં પૂરતો પાણીનો જથ્થો નથી.
શું છે કાવેરી વિવાદ?
કાવેરી જળ વિવાદ વાસ્તવમાં બે રાજ્યો વચ્ચે છે. કર્ણાટક અને તમિલનાડુના લોકો આ મુદ્દાને લઈને સામસામે છે. તેના મૂળ 1892 અને 1924ના વર્ષોમાં શોધી શકાય છે, જ્યારે મદ્રાસ પ્રેસિડેન્સી અને મૈસૂર કિંગડમ વચ્ચે બે કરારો થયા હતા. વાસ્તવમાં, કેન્દ્રએ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને પુડુચેરી વચ્ચે પાણીની વહેંચણીની ક્ષમતા અંગેના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કર્યો અને જૂન 1990માં કાવેરી વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ (CWDT)ની સ્થાપના કરી.
સુપ્રીમ કોર્ટે પણ વર્ષ 2018માં પોતાનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે કર્ણાટક દ્વારા કેટલું પાણી જાળવી રાખવું જોઈએ અને તમિલનાડુને કેટલું પાણી આપવું જોઈએ. તે નિર્ણય મુજબ, કર્ણાટક, જૂન અને મે વચ્ચેના ‘સામાન્ય’ જળ વર્ષમાં તમિલનાડુને 177.25 TMC ફાળવવાનું રહેશે.
આ વર્ષે કર્ણાટકને જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 123.14 TMC આપવાનું હતું પરંતુ ઓગસ્ટમાં તમિલનાડુએ 15 દિવસ માટે 15,000 ક્યુસેક પાણીની માંગણી કરી હતી. 11 ઓગસ્ટના રોજ CWMA દ્વારા પાણીનો જથ્થો ઘટાડીને 10,000 ક્યુસેક કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે આરોપ લગાવ્યો છે કે કર્ણાટકે 10,000 ક્યુસેક પણ છોડ્યું નથી.