સામાન્ય માણસોને વધુ એક ફટકો! ટામેટા બાદ હવે ડુંગળી પણ થઇ મોંઘી
ટામેટા બાદ હવે ડુંગળીનાં ભાવ પણ વધ્યા છે. છેલ્લા 4 દિવસમાં ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળીનો ભાવ હવે 20 થી 25 રૂપિયા થઈ ગયો છે. આ રીતે ડુંગળી પણ છેલ્લા 4 દિવસમાં 10 રૂપિયા મોંઘી થઈ છે.
જો ડુંગળીના જથ્થાબંધ ભાવની વાત કરીએ તો તેની કિંમતમાં 25 ટકાનો વધારો થયો છે. ડુંગળીના સૌથી મોટા બજાર લાસલગાંવમાં શુક્રવારે તેનો ભાવ 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં, દુકાનદારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
27 જૂને નાશિક મંડીમાં ડુંગળીની સરેરાશ કિંમત 1201 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે, બીજા દિવસે તેની કિંમતમાં 79 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો. આ રીતે, 28 જૂને, ડુંગળીના ભાવ વધીને 1280 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. બીજી તરફ 29 જૂને ડુંગળીનો ભાવ 1280 રૂપિયાથી વધીને 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો હતો.
ટામેટાં બાદ ડુંગળી મોંઘી થતા સામન્ય માણસો પરેશાન થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે જો ડુંગળી, ટામેટાં અને લીલા શાકભાજીના ભાવ આ જ રીતે વધતા રહેશે તો આવનારા દિવસોમાં ખાદ્યપદાર્થો પણ વધશે.