દિલ્હીના જનકપૂરી વિસ્તારમાં પડ્યો 10 ફૂટનો ભૂવો, 60 વર્ષનો જુનો રોડ ધસ્યો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે મુશ્કેલી વધી છે. દિલ્હી-એનસીઆરમાંથી સતત રોડ ધસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરનો મામલો દિલ્હીના જનકપુરી વિસ્તારનો છે જ્યાં અચાનક રસ્તાનો એક ભાગ ધસી પડ્યો છે. જેને જોતા આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવાર, 5 જુલાઈ, 2023 ના રોજ, દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રસ્તાનો મોટો ભાગ અણધારી રીતે ખાડો થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. કોઈપણ દુર્ઘટનાને ટાળવા માટે, અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે.
દિલ્હીના જનકપુરી વિસ્તારના પોસાંગીપુર વિસ્તારમાં રોડ ધસી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ લગભગ 10 ફૂટ સુધી ધસી ગયો છે. સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ રોડ ધસવા લાગ્યો હતો. જો કે આનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘટનાસ્થળે હાજર આમ આદમી પાર્ટી અને જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ મીડિયાને જણાવ્યું કે આ રસ્તો લગભગ 60 વર્ષ જૂનો છે.
દિલ્હી જલ બોર્ડની ઘણી પાઇપલાઇન તેમાંથી પસાર થાય છે અને તેમાં લીકેજને કારણે આ ઘટના બની છે. આ રોડ PWD હેઠળ આવે છે. હાલ તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે. જો કે કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ આ રોડ ચારે બાજુથી બેરીકેટથી ઘેરાયેલો છે.