આણંદ જિલ્લામાં 3 મહિનામાં ડેન્ગ્યૂના 62, મેલેરિયાના 18 કેસ સામે આવ્યા
આણંદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળાએ માથુ ઉચક્યું હતું. જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શન, બેવડી તુ અને દુષિત પાણીના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. ચાલુ વર્ષે જિલ્લામાં જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યૂના ૬૨ અને મેલેરિયાના ૧૮ કેસ નોંધાયા છે.
જ્યારે આણંદ સિવિલ હોસ્પિટલમાં જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન ૪૦,૨૫૮ ઓપીડી નોંધાઈ હતી. જ્યારે ૧૧,૩૦૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદની સાથે અસહ્ય ગરમી પડી હતી. તેમજ ભેજયુક્ત વાતાવરણ સર્જાતા જિલ્લાવાસીઓએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા જિલ્લામાં ચાર મહિનામાં ડેન્ગ્યૂના ૬૨ અને મેલેરિયાના ૧૮ કેસો નોંધાયા હતા.
ઉપરાંત શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી, તાવ, શરીરનો દુઃખાવો, માથાનો દુઃખાવો સહિતના રોગના મોટી સંખ્યામાં દર્દીઓ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી રહ્યાં છે. તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. આણંદ સિવિલ હોસ્પિટલના એમડી ડૉ. અમર પંડયાએ જણાવ્યું હતું કે, સિવિલમાં જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ૪૦,૨૫૮ ઓપીડી નોંધાઈ હતી. તેમજ ૧૧,૩૦૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતા.
ઉપરાંત લેબના વિવિધ પેરામીટર પ્રમાણે દર્દીઓના ૨,૧૪,૮૭૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ચોમાસાના કારણે ભેજવાળુ વાતાવરણ રહેતું હોય છે. વરસાદ, ગરમી અને ઠંડી એક જ દિવસે એક સાથે અનુભવાય તેવી સિઝન હોવાથી વાયરલજન્ય ઈન્ફેક્શન, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેથી સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યૂના ૬૨ અને મેલેરિયાના ૧૮ કેસ જિલ્લામાં નોંધાયા છે.