અમેરિકામાં રહેતા ભારતીયોને ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ કેમ જોવી પડે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, અન્ય દેશોની તુલનામાં અમેરિકન પીઆર કે સિટિઝનશિપ મેળવવી અઘરી હોય છે અને તેને મેળવવામાં વર્ષો નીકળી જતા હોય છે. ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપાઈન્સના લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. આ માટે દેશ આધારિત ક્વોટા સિસ્ટમ જવાબદાર છે. એટલે કે પ્રત્યેક દેશ માટે ગ્રીન કાર્ડ માટેના ક્વોટા ફાળવવામાં આવે છે જેના કારણે ગ્રીન કાર્ડ મેળવવામાં વર્ષો નીકળી જાય છે.

પરંતુ એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે આ ક્વોટા સિસ્ટમ ફક્ત યુએસ કોંગ્રેસ જ બદલી શકે છે. ગ્રીન કાર્ડ એ અમેરિકાનું સત્તાવાર પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે. આ કાર્ડ અમેરિકા આવેલા ઈમિગ્રન્ટ્સને તે પૂરાવા તરીકે આપવામાં આવેલું ડોકયુમેન્ટ છે કે જે તે વ્યક્તિને અમેરિકામાં રહેવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. દેશ દીઠ કેપ્સ ચોક્કસ દેશોની વ્યક્તિઓને ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા માટેની સંખ્યાત્મક મર્યાદા છે. ઈમિગ્રેશન લો દર વર્ષે આશરે ૧,૪૦,૦૦૦ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરવાની જોગવાઈ કરે છે.

જોકે તેમાંથી ફક્ત સાત ટકા ગ્રીન કાર્ડ દર વર્ષે એક જ દેશની વ્યક્તિઓને મળી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસના સિનિયર એડવાઈઝર ડગલસ રેન્ડે જણાવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા સમગ્ર વિશ્વ માટે ફેમિલી-સ્પોન્સર્ડ પસંદગી ગ્રીન કાર્ડ્સની લિમિટ ૨,૨૬,૦૦૦ છે જ્યારે એમ્પલોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ્સની વાર્ષિક મર્યાદા ૧,૪૦,૦૦૦ છે. વિઝા અને કોન્સ્યુલર મુદ્દાઓ પર સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ટાઉન હોલ દરમિયાન તેમણે ભારતીય અમેરિકનોને જણાવ્યું હતું કે તેના ઉપર પ્રત્યેક દેશ દીઠ મર્યાદા કુલ વાર્ષિક ફેમિલિ સ્પોન્સર્ડ અને એમ્પલોયમેન્ટ આધારિત પસંદગીની મર્યાદાના સાત ટકા પર સેટ કરવામાં આવી છે. તેનો મતલબ છે કે ૨૫,૬૨૦ ગ્રીન કાર્ડ્સ છે

જેના કારણે ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપાઈન્સથી આવનારા માઈગ્રન્ટ્સને અન્ય દેશોના લોકોની તુલનામાં ગ્રીન કાર્ડ માટે વધારે રાહ જોવી પડે છે. ફેમિલી અને એમ્પલોયમેન્ટ બંને માટે દર વર્ષે ૨૫,૬૨૦ થી વધુ ગ્રીન કાર્ડની માંગ છે. ફક્ત કોંગ્રેસ જ આ વાર્ષિક મર્યાદા બદલી શકે છે. તેથી અમારું કામ આ મર્યાદાઓની અંદર અમે જે કરી શકીએ તે બધું કરવાનું છે. જ્યારે તે ગ્રીન કાર્ડ નંબરો ઉપલબ્ધ હોય ત્યારે અમે ખાતરી કરીએ છીએ કે તેનો દર વર્ષે ઉપયોગ થાય. ગ્રીન કાર્ડની રાહ જોવામાં હજારો ભારતીય પ્રોફેશનલ્સને હાલમાં એક દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે અને ઘણી વખત વિઝાની રાહ જોવાનો સમય વર્ષો સુધી પાછો ઠેલાતો જાય છે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે આ ફક્ત ભારતના જ નહીં અન્ય ઘણા દેશોના લોકો માટેની સમસ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.