
એકલા અશ્લીલ વીડિયો જોવો એ વ્યક્તિગત પસંદગીની બાબત છે
નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે અશ્લીલ ચિત્રો અથવા વિડિયો અન્યને બતાવ્યા વિના એકલા જોવું એ કાયદા હેઠળ ગુનો નથી, કારણ કે તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. હાઈકોર્ટે કહ્યું કે તેને ગુનો બનાવવો એ વ્યક્તિની ગોપનીયતામાં ઘૂસણખોરી અને તેની અંગત પસંદગીમાં દખલ હશે. આ સાથે હાઈકોર્ટે ૩૩ વર્ષીય યુવક સામેનો કેસ રદ કર્યો હતો. ૨૦૧૬ માં, કેરળ પોલીસે એક યુવકને રસ્તાના કિનારે મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોતા પકડયો હતો અને તેની સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૨૯૨ હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીઓએ આ જ કેસમાં એફઆઈઆર અને ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીની સુનાવણી જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નનની કોર્ટમાં થઈ હતી. કોર્ટે કહ્યું, સદીઓથી અશ્લીલ સામગ્રી પ્રેક્ટિસમાં હતી. નવા ડિજિટલ યુગે તેને બાળકો માટે પણ વધુ સુલભ બનાવ્યું છે. આ કેસમાં સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ પોતાના અંગત સમયમાં અશ્લીલ વીડિયો બીજાને બતાવ્યા વિના જુએ છે તો તેને ગુનેગાર ગણી શકાય કે નહીં? ખંડપીઠે કહ્યું, *કોઈપણ અદાલત તેને ગુનો જાહેર કરી શકે નહીં, કારણ કે તે તેની વ્યક્તિગત પસંદગી છે અને તેમાં દખલગીરી તેની ગોપનીયતામાં દખલ સમાન છે.* બેન્ચે એમ પણ કહ્યું કે અરજદાર (આરોપી) દ્વારા દર્શાવવામાં આવેલો કોઈ આરોપ ન કે તેણે જાહેરમાં કોઈને વિડિઓ બતાવ્યો હોય. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને કહ્યું, “હું માનું છું કે કોઈ વ્યક્તિની અંગત ક્ષણોમાં અશ્લીલ ફોટોગ્રાફ્સ જોવી એIPCની કલમ ૨૯૨ (અશ્લીલતા) હેઠળ ગુનો નથી. એ જ રીતે, કોઈ વ્યક્તિના મોબાઈલ ફોન પર તેની પ્રાઈવસીમાં અશ્લીલ વીડિયો જોવો એ પણ આઈપીસીની કલમ ૨૯૨ હેઠળ ગુનો નથી.
જો આરોપી કોઈ અશ્લીલ વિડિયો કે ફોટો પ્રસારિત કે વિતરિત કરવાનો કે જાહેરમાં પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તે કલમ ૨૯૨ હેઠળ ગુનો છે. ખંડપીઠે કહ્યું, *આરોપી વિરુદ્ધIPCની કલમ ૨૯૨ હેઠળ કાેઈ ગુનો નોંધાયો નથી અને કેસના સંબંધમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી રદ કરવામાં આવે છે. આ સાથે જસ્ટિસ કુન્હીક્રિષ્નને માતા-પિતાને તેમના બાળકોને ખુશ કરવા માટે ઈન્ટરનેટ સાથે મોબાઈલ ફોન આપવા સામે ચેતવણી આપી હતી. તેણે કહ્યું, માતાપિતાએ તેની પાછળના જોખમથી વાકેફ હોવું જોઈએ. બાળકોને તેમની દેખરેખ હેઠળ માહિતી અને માહિતીપ્રદ વીડિયો જોવાની છૂટ આપવી જોઈએ, પરંતુ સગીર બાળકોને ખુશ કરવા માટે મોબાઈલ ફોન કયારેય તેમના હાથમાં ન આપવા જોઈએ. જસ્ટિસ કુન્હિક્રિષ્નને કહ્યું કે આજકાલ અશ્લીલ વીડિયો તમામ મોબાઈલ પર ઉપલબ્ધ છે. જો સગીર બાળકો અશ્લીલ વિડીયો જુએ છે, તો તેના દૂરગામી પરિણામો આવશે. રજાઓ દરમિયાન બાળકોને ક્રિકેટ, ફૂટબોલ અથવા જે ગમે તે રમવા દો.