ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, બંગાળમાં ભારે આગજની

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં એક વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટમા ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક વિસ્તારમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે હિંસા થઇ હતી. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના હોટુગંજ વિસ્તારમાં આ હિંસા ફાટી નીકળી હતી, જેમાં અહીંના ટીએમસીના એક કાર્યાલય પર ભારે તોડફોડ કરવામાં આવી હતી સાથે જ અહીંયા રાખવામાં આવેલી બાઇકોને પણ સળગાવી દેવામાં આવી હતી. જેને પગલે હાલ આ વિસ્તારમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં આરએએફ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળનાં ઈસ્ટ મિદનાપુર જિલ્લાના ભગબાનપુર તાલુકામાં આવેલા નાર્યાબીબા ગામનાં એક ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતાં ૩ના જીવ ગયા છે. આ ઘટના ઈસ્ટ મિદનાપુરનાં કંતાઈ ગામથી ૪૦ કી.મી. દૂર બની હતી. આ કંતાઈ ગામે ટીએમસીના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીની એક જાહેર સભા યોજાવાની હતી. આ વિસ્ફોટ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્ફોટથી માટીમાંથી બનાવેલું અને ઘાસ-રાડાનું છપ્પર ધરાવતું ઘર પણ લગભગ ધ્વસ્ત થઈ ગયું હતું.
આ અંગે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષે ટીકા કરતાં જણાવ્યું હતું કે, ‘એવું લાગે છે કે, રાજ્યમાં જાણે કે બોમ્બ બનાવવાનો ઉદ્યોગ જ ફૂલી-ફાલી રહ્યો છે.’ તૃણમૂલના પ્રદેશ મહામંત્રી કૃણાલ ઘોષે કહ્યું હતું કે, ‘કોઈપણ પુરાવા વિના શાસક પક્ષની ટીકા કરવી તે તો વિપક્ષો માટે ઘણી સહેલી વાત છે.’ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષની શરૂઆતમાં પંચાયત ચૂંટણીઓ યોજાવાની છે. આથી પોલીસે રાજ્યભરમાં ‘કોમ્બીંગ ઓપરેશન’ શરૂ કરી દીધું છે, તેમાં અત્યાર સુધીમાં જ દેશી બનાવટના બોમ્બ તથા વિવિધ શસ્ત્રો હાથમાં આવ્યાં છે.
સમાચારો વધુમાં જણાવે છે કે નાર્યા બીબા ગામે થયેલી આ ઘટના અંગે સઘન તપાસ કરવા રાજ્યાનો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસને આદેશ આપી દીધો છે અને પંચાયતની ચૂંટણીઓ શાંતિમય રીતે યોજાય તે માટે વ્યવસ્થા ગોઠવવા પણ જણાવી દીધું છે. ૨૦૧૮માં રાજ્યમાં યોજાયેલી પંચાયતોની ચૂંટણીઓ દરમિયાન વ્યાપક હિંસા થઈ હતી, તેમાં તૃણમૂલ નંબર ૧ તરીકે આગળ રહી હતી જ્યારે ભાજપ બીજા ક્રમે હતો તે મૂળ વિપક્ષ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.