વિદેશ જતાં લોકો માટે વેક્સિનના નિયમો હળવા કરાયાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે ત્યારે સરકારે વિદેશ જતા મુસાફરો માટે કોવિડ વેક્સિનના પ્રિકોશન ડોઝના નિયમ હળવા કર્યા છે. કેન્દ્રએ ગુરુવારે વિદેશની મુસાફરી કરી રહેલા નાગરિકોને બીજા ડોઝ પછી નવ મહિનાની નિર્ધારિત મુદત પહેલાં પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રાલયનો વિદેશી મુસાફરો માટે પ્રિકોશન ડોઝના નિયમોમાં ઢીલ આપવાનો નિર્ણય નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI)ની ભલામણો પર આધારિત છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્વટ કર્યું હતું કે, “વિદેશ જઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો હવે તેમની મુસાફરીના દેશની માર્ગદર્શિકા પ્રમાણે પ્રિકોશન ડોઝ લઇ શકશે. કોવિન પોર્ટલ પર આ નવી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે.” ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે સલાહકાર સમિતિએ અન્ય દેશની મુસાફરી કરી રહેલા લોકોને એ દેશની માર્ગદર્શિકા અનુસાર નવ મહિના પહેલાં પ્રિકોશન ડોઝની મંજૂરી માટે ભલામણ કરી હતી. અત્યારે ૧૮ વર્ષ અને વધુ વયના તમામ લોકો બીજા ડોઝ પછી નવ મહિને પ્રિકોશન ડોઝ લઈ શકે છે.

દેશમાં નવા 2,827 કેસ: 24 લોકોનાં મૃત્યુ

દેશમાં કોરોનાના નવા ૨,૮૨૭ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૨૭ ઘટીને ૧૯,૦૬૭ થઈ છે. વધુ ૨૪ મૃત્યુ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૨૪,૧૮૧ નોંધાયો છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના ૦.૦૪ ટકા છે. જ્યારે રિકવરી રેટ ૯૮.૭૪ ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૬૦ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૦.૭૨ ટકા નોંધાયો છે.

અમેરિકા, આફ્રિકા સિવાય વિશ્વમાં કોરોનાના કેસ ઘટ્યાઃ WHO

 WHOના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. માત્ર અમેરિકા અને આફ્રિકામાં આ કેસમાં વધારો નોંધાયો છે. બુધવારે જારી કરાયેલા કોરોનાના સાપ્તાહિક અહેવાલમાં WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં નવા ૩૫ લાખ કેસ અને ૨૫,૦૦૦થી વધુ મૃત્યુ થયા છે. તે અનુક્રમે ૧૨ ટકા અને ૨૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. સંક્રમણમાં ઘટાડાની શરૂઆત માર્ચમાં થઈ હતી. જોકે, ઘણા દેશોએ ટેસ્ટિંગ અને સર્વેલન્સના કડક નિયંત્રણ હળવા કર્યા હતા. જેને લીધે કેસની વાસ્તવિક ગણતરી મુશ્કેલ બની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.