
તમિલનાડુમાં દર્દનાક દુર્ઘટના, મંદિર ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4નાં મોત
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ 9 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રાનીપેટ જિલ્લાના નેમિલીની બાજુમાં કિલીવેડી વિસ્તારમાં મંડીયમ્મન મંદિર માયલર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા કમકમાટી ભર્યા દૃશ્ય સર્જાયા હતા.
આ અકસ્માતમાં એક બાળકી સહિત લગભગ 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને પુન્નઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરક્કોનમ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે ક્રેનની આસપાસ 1500 જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. નેમિલી જિલ્લા કલેક્ટર સુમાથી, ગ્રામ વહીવટી અધિકારી મણિકંદન અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે અનેક લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં ઉત્સવ માટે એકઠા થયા હતા. આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન દ્વારા મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આ ભયાનક ઘટના બની હતી ક્રેન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.