સુપ્રીમ કોર્ટમાં જજ છે તિગ્માંશુ ધૂલિયાના ભાઈ
મુંબઈ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા તિગ્માંશુ માત્ર ડાયલોગ રાઈટર જ નથી પણ તેઓ એક્ટર, ડિરેક્ટર, પટકથા લેખક, નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર પણ છે. મતલબ કે તેઓ બહુ પ્રતિભાશાળી છે. તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ સે…’ના ડાયલોગ્સ પણ લખ્યા છે અને તેમણે ‘પાન સિંહ તોમર’ જેવી ફિલ્મ બનાવી છે કે જેને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેમની ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં તેમની જબરદસ્ત એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
તિગ્માંશુ ધૂલિયાના પિતા અલાહાબાદ હાઈકોર્ટમાં જજ હતા જ્યારે માતા પ્રોફેસર હતાં. તેમના ભાઈ સુધાંશુ ધૂલિયા સુપ્રીમ કોર્ટમાં અત્યારે જજ છે. જ્યારે અન્ય ભાઈ નેવીમાં છે. તારીખ ૩ જુલાઈ, ૧૯૬૭ના દિવસે અલાહાબાદમાં જન્મેલા તિગ્માંશુ ધુલિયાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે, પછી તેમણે શેખર કપૂરની ફિલ્મ બેન્ડિટ ક્વીનનું કાસ્ટિંગ કર્યું હતું. તારીખ ૩ જુલાઈ ૧૯૬૭ના રોજ અલાહાબાદમાં જન્મેલા તિગ્માંશુ ધુલિયાનો ઉછેર અહીં જ થયો હતો.
પિતા કેશવચંદ્ર ધુલિયા જજ, માતા સુમિત્રા ધુલિયા સંસ્કૃતના પ્રોફેસર, એક ભાઈ નેવી અને બીજો ભાઈ સુધાંશુ ધૂલિયા સુપ્રીમ કોર્ટમાં જજ છે. તિગ્માંશુએ સેન્ટ જોસેફ કોલેજમાંથી અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને આધુનિક ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી ૧૯૮૬માં તેમણે માસ્ટર ડિગ્રી માટે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ લીધો અને ૧૯૮૯માં તેમનો અભ્યાસ પૂર્ણ થયો. ૧૯૯૦માં તિગ્માંશુ ધુલિયા મુંબઈ શિફ્ટ થઈ ગયા અને ફૂલણ દેવીની બાયોપિક બેન્ડિટ ક્વીન માટે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું.
તેઓ ૧૯૯૮ની સ્ટીફ અપર લિપ્સના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા અને કેમિયો પણ કર્યો હતો. આ પછી તેમણે કયારેય પાછું વળીને જોયું નથી અને ટીવીની દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો. તિગ્માંશુ ધુલિયાએ ભાગીને લગ્ન કર્યા હતા! તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે આઠમા ધોરણમાં હતા ત્યારે તેમને સાતમા ધોરણની છોકરી સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમસંબંધ માટે તેમને ઘણી વખત માર પણ મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તુલિકા ઘરેથી ભાગી ગઈ હતી અને પરિવારની ઈચ્છા વિરુદ્ધ બંનેએ દિલ્હીમાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તિગ્માંશુની પત્નીનું નામ તુલિકા ધુલિયા છે. તેઓ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેમની જાનસી નામની પુત્રી છે, જે ડાયરેક્ટર બનવા માટેનો અભ્યાસ કરી રહી છે.