તાજમહેલ જયપુરના શાસકની જમીન પર બંધાયો હોવાનો રાજ પરિવારનો દાવો
છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળો અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો છે કે, તાજ મહેલ જે જમીન પર બંધાયો તેની માલિકી જયપુરના શાસક જયસિંહની હતી. જયસિંહ પાસેથી મુઘલ શાસક શાહજહાંએ આ જમીન ખરીદી હતી.
દિયા કુમારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમીનના દસ્તાવેજ જયપુરના રાજવી પરિવાર પાસે છે. તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં તાજ મહેલના ‘ઇતિહાસ’ની તપાસ અને તેની અંદરના ‘૨૨ રૂમ’ને ખોલવા માટે કરાયેલી અરજીનું સમર્થન કર્યું હતું. જેથી સત્ય બહાર આવી શકે. જયપુરના રાજવી પરિવારના સભ્ય દિયા કુમારીએ જણાવ્યું હતું કે, “તાજ મહેલ બન્યો એ પહેલાં ત્યાં શું હતું તેની તપાસ થવી જોઇએ.
જયપુરના રાજવી પરિવાર પાસે પ્રોપર્ટીના દસ્તાવેજ છે અને જરૂર જણાશે તો રાજવી પરિવાર દસ્તાવેજ આપવા પણ તૈયાર છે.તાજ મહેલ માટે જમીન ખરીદતી વખતે વળતર આપવામાં આવ્યું હતું પણ એ કેટલું હતું અથવા તે સ્વીકારવામાં આવ્યું હતું કે નહીં એ હું કહી શકું તેમ નથી. કારણ કે અમારા ‘પોથીખાના’માં રહેલા દસ્તાવેજ મેં વાંચ્યા નથી. જમીન અમારા પરિવારની હતી, જે શાહજહાંએ ખરીદી હતી.”
કુમારીએ પિટિશનને ટાંકીને જણાવ્યું હતું કે, “તાજ મહેલની અંદરના રૂમોને ખોલી તેની તપાસ કરવાની માંગણી વાજબી છે. લોકો માટે એ જાણવું જરૂરી છે કે આ રુમોની તાળાબંધી કેમ કરાઈ છે? તાજમહેલ પહેલાં આ સ્થળે કંઇ પણ હોઇ શકે. કદાચ મંદિર પણ. ‘મકબરા’ પહેલાં ત્યાં શું હતું એ જાણવાનો લોકોને હક છે.”