મેક્સિકો બોર્ડર પરથી ઘૂસેલા ૧૨ લાખ લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વોશિંગ્ટન, અમદાવાદઃ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા લોકોની સંખ્યા છેલ્લા એકાદ-બે મહિનાથી સતત વધી રહી છે ત્યારે અમેરિકાની વિવિધ કોર્ટ્સમાં પેન્ડિંગ ડિપોર્ટેશનના કેસોનો આંકડો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. એક રિપોર્ટ અનુસાર, માત્ર ઓગસ્ટ મહિનામાં જ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટીએ ૧.૮૦ લાખ લોકો વિરૂદ્ધ નોટિસ ટુ અપિયર ઈશ્યૂ કરી હતી, જ્યારે જુલાઈમાં આ આંકડો ૧.૫૧ લાખ હતો. ૨૦૨૩ના જ વર્ષમાં અમેરિકાની અલગ-અલગ ઈમિગ્રેશન કોર્ટ્સમાં ડિપોર્ટેશનના ૧૨.૩૦ લાખ નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે લોકો વિરૂદ્ધ આ કેસ કરવામાં આવ્યા છે તે તમામને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટી દ્વારા ઈમિગ્રેશન કોર્ટમાં હાજર થઈને ડિપોર્ટેશનની પ્રોસેસ સામે પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવાયું હતું. જે અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે તેમને કોર્ટમાં પોતાનો બચાવ કરવાની તક પણ અપાતી હોય છે. આવા લોકો અસાયલમ માગીને કે પછી બીજી કોઈ રાહત મેળવીને ડિપોર્ટેશનને અટકાવી શકે છે.

૨૦૨૩ના વર્ષમાં જે ૧૨.૩૦ લાખ લોકો વિરૂદ્ધ ડિપોર્ટેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે તેમાંના મોટાભાગના લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસેલા છે. અમેરિકા-મેક્સિકો બોર્ડર પર આવેલા કેલિફોર્નિયા, એરિઝોના તેમજ ટેક્સાસ ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ રહે છે, પરંતુ તેમનું સૌથી વધુ પ્રમાણ બોર્ડર સ્ટેટ્સમાં નોંધાયું છે. માત્ર કેલિફોર્નિયામાં જ ચાલુ વર્ષમાં ૧.૬૦ લાખ નવા ઈમિગ્રન્ટ્સ નોંધાયા છે, જ્યારે ૨૦૨૩માં જ ૫૦ હજારથી વધુ ઈમિગ્રન્ટ્સ નોંધાયા હોય તેવા રાજ્યોની સંખ્યા પાંચ છે.
આ સિવાય કોલોરાડો, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઈલિનોય, ન્યૂજર્સી, ન્યૂયોર્ક તેમજ વર્જિનિયા પણ એવા રાજ્યો છે કે જ્યાં મોટીસંખ્યામાં અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ રહે છે.

જોકે, આ મામલામાં ન્યૂયોર્ક સિટી સૌથી આગળ છે જ્યાં ઓગસ્ટમાં ૧૪.૦૮૪ ઈમિગ્રન્ટ્સ આવ્યા હતા, જ્યારે ટેક્સાસનું હ્યુસ્ટન શહેર તેમાં બીજા નંબરે છે. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની સ્થિતિ અનુસાર હાલ ૩૫ હજારથી પણ વધુ અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ જેલમાં છે, જેમાંથી સૌથી વધુ ૧૦ હજાર કેદીઓ ટેક્સાસમાં છે જ્યારે લ્યૂઝિયાનામાં સાડા ચાર હજાર અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ જેલમાં બંધ છે. એટલું જ નહીં, જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હોય પરંતુ જેમના પર હાલ નજર રાખવામાં આવી રહી છે તેવા અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૧.૯૭ લાખ નોંધાઈ છે.

ડિપોર્ટેશનથી બચવા માટે મોટાભાગના અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ અસાયલમ એટલે કે શરણાગતિની અપીલ ફાઈલ કરતા હોય છે. હાલ ઈમિગ્રેશન કોર્ટ્સમાં ડિપોર્ટેશનના લાખો કેસો પેન્ડિંગ છે ત્યારે ઈમિગ્રન્ટ્સ મોટી સંખ્યામાં અસાયલમ માગી રહ્યા હોવાને કારણે તેમાં પણ બેકલોગ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની વિવિધ ઈમિગ્રેશન કોર્ટ્સમાં હાલ ૨૬.૨૦ લાખ કેસ પેન્ડિંગ છે. જે અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને નોટિસ ટૂ અપિયર ઈશ્યૂ કરાઈ છે તેમાંના મોટાભાગના કોર્ટમાં નિયમિત હાજરી આપી રહ્યા હોવાથી તેમનો કેસ પૂરો ના થાય ત્યાં સુધી તેમને ડિપોર્ટ પણ કરી શકાય તેમ નથી, પરંતુ તેના કારણે પણ કોર્ટ્સ પરનું ભારણ વધી રહ્યું છે.

અમેરિકામાં જે પણ લોકો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાય તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવતા હોય છે, જો જેલમાં બંધ કોઈ અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ શરણાગતિ માટે અપીલ કરે તો સૌ પહેલા તેને ખરેખર તેના દેશમાં કોઈ ખતરો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. જો તેનો કેસ જેન્યુઈન લાગે તો તેને શરણાગતિ આપવી કે નહીં તેનો નિર્ણય કોર્ટ કરે છે, આ દરમિયાન આવા વ્યક્તિને જો કોર્ટને ઠીક લાગે તો જેલમાંથી મુક્ત કરવામાં આવે છે અને તેની શરણાગતિની અપીલ પર કોઈ નિર્ણય ના લેવાય ત્યાં સુધી તે અમેરિકામાં રહી શકે છે. જોકે, આ બધું સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેટલું ખરેખર નથી. ઘણા અનડોકયુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને બોર્ડર પરથી પકડાયા બાદ ઘણો લાંબો સમય જેલમાં રહેવું પડે છે અને તેમને બોન્ડ પર મુક્ત કરવાને બદલે સીધા ડિપોર્ટ જ કરી દેવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.