
રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે
નવી દિલ્હી, દેશભરમાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. રિટેલ ફુગાવો હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વધુ થોડા સમય માટે તેનું કડક વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એકવાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
રિઝર્વ બેંકે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો અને ત્યારથી તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ રિટેલ ફુગાવો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ સહિતના કેટલાક વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને દરો સમાન સ્તરે જાળવી રાખ્યા છે.RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોનીMPCની બેઠક ૪-૬ ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત છે. એમપીસીની છેલ્લી બેઠક ઓગસ્ટમાં મળી હતી. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું છે કે અમને આશા છે કેRBI આ વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે કારણ કે ફુગાવો હજુ પણ ઊંચો છે અને લિક્વિડિટીની સ્થિતિ તંગ છે. જો મોંઘવારી પર આરબીઆઈનો અંદાજ સાચો માનવામાં આવે તો ત્રીજા ક્વાર્ટરમાં પણ તે પાંચ ટકાથી વધુ રહેશે. આવી સ્થિતિમાં, વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૩ અને સંભવતઃ ચોથા ક્વાર્ટરમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.
સબનવીસે કહ્યું કે ખરીફ પાક, ખાસ કરીને કઠોળને લઈને અનિશ્ચિતતા છે. જોકે, ઓગસ્ટમાં ગ્રાહક ભાવ સૂચકાંક(CPI) આધારિત ફુગાવો થોડો ઘટીને ૬.૮૩ ટકા થયો છે. જુલાઈમાં તે ૭.૪૪ ટકા હતો. જોકે, તે હજુ પણ રિઝર્વ બેક્નના છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર છે.ICRA લિિમટેડના મુખ્ય અર્થશાસ્ત્રી, અદિતિ નાયરે જણાવ્યું હતું કે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો સપ્ટેમ્બર, ૨૦૨૩માં ઘટીને ૫.૩-૫.૫ ટકા થવાની ધારણા છે. જેમાં ટામેટાંનો સરેરાશ ભાવ અડધો થઈ ગયો હતો.જે ફાયદો થયો હતો. નાયરે કહ્યું કેICRAને લાગે છે કેMPCઓક્ટોબર ૨૦૨૩ની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.
રિઝર્વ બેંકે ૨૦૨૩-૨૪ માટે છૂટક ફુગાવો ૫.૪ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૬.૨ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૫.૭ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫.૨ ટકા રહેવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવો ૫.૨ ટકા રહેવાનું અનુમાન છે.