
કેન્દ્ર સરકારે દુશ્મન સંપતિ વેચવા માટે શરુ કરી તૈયારીઓ
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન અને ચીનની નાગરિકતા લીધેલા લોકો દ્વારા પાછળ છોડી દેવાયેલી સ્થાવર મિલકતો અને દુશ્મન સંપતિના નિકાલ અને તેને વેચવા માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ભારતમાં કુલ ૧૨,૬૧૧ સંસ્થાઓ છે કે જેની કિંમત અંદાજે રુપિયા ૧ લાખ કરોડથી વધુ છે. એક નોટિફિકેશન મુજબ, દુશ્મન સંપતિના નિકાલ માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. દુશ્મન સંપતિઓને ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હવે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કે ડેપ્યુટી કમિશનરની મદદથી શરુ કરવામાં આવશે.
રુપિયા એક કરોડથી ઓછી કિંમતની દુશ્મન સંપતિઓના કિસ્સામાં કસ્ટોડિયન પ્રથમ કબજેદારને ખરીદી માટે ઓફર કરશે અને જો કબજેદાર દ્વારા ખરીદીની ઓફર નકારવામાં આવશે તો માર્ગદર્શિકામાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ દુશ્મન સંપતિનો નિકાલ કરવામાં આવશે, એવું સૂચનામાં કહેવામાં આવ્યું છે. એક કરોડ રુપિયા અને ૧૦૦ કરોડ રુપિયાથી નીચેનું મૂલ્ય ધરાવતી દુશ્મન સંપતિનો નિકાલCEPI દ્વારા ઈ-ઓક્શન દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી શકે છે અને દુશ્મન સંપતિ નિકાલ સમિતિ દ્વારા નિર્ધારિત દરે કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે, દુશ્મન સંપતિના નિકાલથી સરકારે રુપિયા ૩૪૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. સૌથી વધુ દુશ્મન સંપતિ ઉત્તર પ્રદેશ (૬૨૫૫ મિલકતો)માંથી મળી આવી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ (૪૦૮૮ મિલકતો), દિલ્હી (૬૫૯) અને ગોવા (૨૯૫) નંબર આવે છે. મહારાષ્ટ્ર (૨૦૮), તેલંગાણા (૧૫૮), ગુજરાત (૧૫૧), બિહાર (૯૪), મધ્ય પ્રદેશ (૯૪), છત્તીસગઢ (૭૮) અને હરિયાણામાં (૭૧) સંપતિ સામેલ છે. કેરળમાં પણ ૭૧ દુશ્મન સંપતિ છે. તો ઉત્તરાખંડ (૬૯), તમિલનાડુ ૯૬૭), મેઘાલય (૫૭), આસામ (૨૯), કર્ણાટક (૨૪), રાજસ્થાન (૨૨), ઝારખંડ (૧૦) તથા દીવ અને દમણમાં (૪) અને આંધ્ર પ્રદેશ તથા અંદમાન નિકોબારમાં એક એક શત્રુ સંપતિ છે.