કાશ્મીરમાં હિંદુઓને મારવા આતંકવાદીઓએ અપનાવ્યો આ ખતરનાક પ્લાન

રાષ્ટ્રીય
Hindus in Kashmir
રાષ્ટ્રીય

ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં ફરી એકવાર તણાવ છે. એક પછી એક થઈ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે હિંદુઓમાં ડર છે કે ક્યાંક હવે તેમનો નંબર ના હોય. કાશ્મીરમાં આતંકવાદીઓએ હિંદુઓને (Hindus in Kashmir) ટાર્ગેટ કરવા અને તેમનામાં ડર પેદા કરવા માટે નવી રીત અપનાવી છે. ગત મહિનાથી આતંકવાદીઓનું આ હાઇબ્રિડ મોડલ સફળ થતું જોવા મળી રહ્યું છે. સુરક્ષાદળો આ મહિને અનેક આતંકવાદીઓને ઠાર કરવા છતાં આ ટાર્ગેટ કિલિંગ ઘટનાઓને રોકવામાં સફળ નથી થઈ રહ્યા.

ઈંટ ભઠ્ઠામાં કામ કરનારા પ્રવાસી મજૂરો પર હુમલો

જમ્મુ કાશ્મીરના બડગામમાં ગુરુવારના ઈંટ ભઠ્ઠામાં કામ કરનારા પ્રવાસી મજૂરો પર હુમલો થયો, જેમાં એક મજૂરનું મોત થયું, જ્યારે એક મજૂર ખરાબ રીતે ઘવાયો. હુમલામાં જીવ ગુમાવનાર મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે. તે બિહારનો રહેવાસી હતો. તો બીજા મજૂરનું નામ રાજન છે, તે પંજાબનો રહેવાસી છે. તો ગુરુવારે સવારે કુલગામમાં આતંકવાદીઓ દ્વારા એક બેંક કર્મચારીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

આતંકવાદીઓનું હાઇબ્રિડ મોડલ

વિડીયોમાં જોઈ શકાય છે કે એક પાતળો અને ઊંચો છોકરો બેંકની અંદર આવે છે. પ્રથમ વખત તે ગેટ પર ઊભો છે. પછી શિખાઉની જેમ અહીં તહીં જુએ છે. એક ક્ષણ માટે બહાર આવે છે. તેના હાથમાં નાની બેગ છે, જાણે તે બેંકમાં પૈસા જમા કરાવવા આવ્યો હોય. ત્યારબાદ તે બેંકની અંદર જાય છે. તે બેગમાંથી નાની પિસ્તોલ કાઢે છે, પછી સીધો જાય છે અને બેંક કર્મચારી પર ગોળીબાર કરે છે. આ હુમલા બાદ તે તરત જ ભાગી જાય છે. આ આતંકવાદીઓનું હાઇબ્રિડ મોડલ છે.

આતંકવાદીઓએ કેમ હાઇબ્રિડ મોડલ અપનાવ્યું?

આ વિડીયોમાં નોંધવા જેવી ત્રણ બાબતો એ છે કે, પ્રથમ એક શિખાઉ આતંકવાદી, બીજું તેના હાથમાં પિસ્તોલ અને ત્રીજું તેની પાસે હિન્દુ કર્મચારીનો ડેટા, જેને તે નિશાન બનાવવા આવ્યો છે. શિખાઉ આતંકવાદી વાસ્તવમાં હાઇબ્રિડ આતંકવાદી છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમને મોટા પાયે સફળતા મળી રહી છે. રાજ્યસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, 5 ઓગસ્ટ 2019થી 26 જાન્યુઆરી 2022 સુધીમાં ઘાટીમાં કુલ 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં હવે આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગ માટે હાઇબ્રિડ આતંકવાદીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

ઓનલાઇન ભરતી, ઓનલાઇન તાલીમ

હાઇબ્રિડ આતંકવાદીઓ એવા સ્થાનિક યુવાનો છે જેમનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ નથી. આ સ્થાનિક યુવકો પિસ્તોલ લઈને આવે છે અને હુમલો કરીને ભાગી જાય છે અને સામાન્ય જીવન જીવવા લાગે છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આ આતંકવાદીઓને હાઇબ્રિડ આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. મોટાભાગના કેસોમાં આ આતંકવાદીઓ સ્થાનિક હોય છે. આ આતંકવાદીઓની ભરતી ઓનલાઈન જ થાય છે. તેમને ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે. આ પછી તેમને હુમલો કરવા મોકલવામાં આવે છે. આતંકવાદીઓ 1-2ની સંખ્યામાં હુમલા કરે છે. જ્યારે આ પહેલા આતંકી ઘટનાઓના જે વિડીયો સામે આવતા હતા તેમાં 3-4 આતંકીઓ સામેલ હતા અને AK-47 જેવા મોટા અને આધુનિક હથિયારોનો ઉપયોગ કરતા હતા.

મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની 4 ઘટનાઓ

કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની ચાર ઘટનાઓમાંથી ત્રણ ઘટનાઓને હાઈબ્રિડ આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આતંકી હુમલાના 10-15 દિવસ પહેલા જ તે સંગઠનમાં જોડાયો હતો. તેણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠનો ઈન્ટરનેટ દ્વારા સ્થાનિક યુવાનોને લાલચ આપીને આતંકવાદી બનાવી રહ્યા છે.

આતંકવાદીઓ પાસેથી 15 પિસ્તોલ મળી આવી

આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર મે મહિનામાં સુરક્ષા દળોએ 27 આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાંથી 17 સ્થાનિક અને 10 પાકિસ્તાની હતા. એટલું જ નહીં મે મહિનામાં 22 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 5 આતંકી મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે. તેમની પાસેથી 15 પિસ્તોલ મળી આવી છે. વિજય કુમારે જણાવ્યું કે, પંડિત રાહુલ ભટ્ટ અને અભિનેત્રી અમરીનની હત્યામાં સામેલ આતંકવાદીઓ માર્યા ગયા છે. તો રણજીત સિંહ પર હુમલો કરનારા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.