Home / News / રાજસ્થાનનાં 10 શહેરમાં તાપમાન 10 ડીગ્રીથી નીચું, માઉન્ટ આબુમાં સૌથી ઓછું 2 ડીગ્રી
રાજસ્થાનનાં 10 શહેરમાં તાપમાન 10 ડીગ્રીથી નીચું, માઉન્ટ આબુમાં સૌથી ઓછું 2 ડીગ્રી
ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપેટમાં છે. રાત્રિનો પારો સતત ગગડતો જાય છે. પંજાબ અને હરિયાણાના અનેક જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન10 ડીગ્રીથી નીચે પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા પછી ઘણાં સ્થળોએ રસ્તાઓ બંધ કરાયા છે. શિમલા, હિમાચલમાં દિવસનો પારો 18.9 અને રાત્રે પારો 5.5 ડીગ્રી રહ્યો હતો. મધ્યપ્રદેશ, ભોપાલ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. રાજસ્થાનમાં શીતલહેરને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન 6 ડીગ્રીની આસપાસ રહ્યું છે.
પંજાબમાં ફરી હાડ થિજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા જિલ્લાઓમાં રાત્રિનો પારો 10 ડીગ્રીથી નીચે પહોંચી ગયો છે. સોમવારે 14 જિલ્લા પઠાણકોટ, ગુરદાસપુર, તરણતારણ, હોશિયારપુર, નવાશહેર, કપૂરથલા, જાલંધર, ફિરોઝપુર, ફાજિલ્કા, મુકતસર, મોગા, લુધિયાણા, પટિયાલા, રૂપનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કોલ્ડ વેવની અસર પણ વધશે.
હરિયાણામાં રાત્રે પારો સતત ગગડી રહ્યો છે. રવિવારે નારનૌલમાં રાત્રિનું તાપમાન 5.4 ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી 1 ડીગ્રી ઓછું હતું. દિવસનો પારો પણ સામાન્યથી 6 ડીગ્રી ઘટ્યો રહ્યો હતો. કરનાલ અને અંબાલામાં પારો 12.2 ડીગ્રીએ રહ્યો. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળવારે અને બુધવારે 15થી 25 કિમી પ્રતિ કલાકની ગતિએ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે.
ભોપાલ સહિત મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ રહેવાની સંભાવના છે. રવિવારે ભોપાલ સહિત માલવા, નિમાડ, બુંદેલખંડ અને વિંધ્ય વિસ્તારના 20 જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુજાલપુરમાં 24 કલાકમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજસ્થાનમાં હવામાન ચોખ્ખું રહ્યું છે. જયપુરમાં 9 દિવસ બાદ રવિવારે આખો દિવસ તડકો રહ્યો હતો. દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્યથી વધુ નોંધાયું હતું. સાંજે ઠંડા પવનો ફૂંકાવાથી ફરી ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા જણાવી છે. આ સાથે જ ઠંડા પવન ફૂંકાવાથી લઘુતમ તાપમાન 6 ડીગ્રી સુધી નોંધાઈ શકે છે. આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ગત રાત્રે 10 શહેરમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે રહ્યું હતું. સૌથી ઓછું માઉન્ટ આબુમાં તાપમાન 2 ડીગ્રી નોંધાયું હતું.
દેશના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે રવિવારે પટના સહિત બિહારના દરેક વિસ્તારમાં 14થી 16 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાશે. આ સ્થિતિ મંગળવાર સુધી રહી શકે છે. આ કારણે 24 કલાક દરમિયાન તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. 15 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે.