તેલંગાણાની ખાનગી બસમાં લાગી આગ, એક મહિલાનું મોત
તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ખાનગી બસમાં લાગેલી આગમાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી અને અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટના હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવે પર એરાવલ્લી ઈન્ટરસેક્શન નજીક સવારે 2.30 વાગ્યે બની હતી.
હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ કંપનીની વોલ્વો બસ પલટી ગઈ અને આગ લાગી. બસમાં 40-50 મુસાફરો હતા. લગભગ તમામ મુસાફરોએ બારીઓ તોડીને બહાર કૂદી પડ્યા, પરંતુ એક મહિલા આગની જ્વાળામાં ફસાઈ ગઈ અને બળીને ખાખ થઈ ગઈ. આ અકસ્માતમાં અન્ય ચાર મુસાફરોને ઈજા થઈ હતી. તેમાંથી ત્રણને ગડવાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ચોથાને હૈદરાબાદ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. બસ સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસને શંકા છે કે ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.