ભારે વરસાદના કારણે 960 વર્ષ જુના શિવ મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર મુશ્કેલીમાં છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ ચાલુ છે. મુંબઈ સહિત અનેક શહેરોમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે અંબરનાથનું 960 વર્ષ જૂનું શિવ મંદિર પણ પૂરના પાણીની લપેટમાં આવી ગયું છે.
મુશળધાર વરસાદને કારણે મંદિર પરિસરમાં પાણી ભરાયું હતું અને મંદિરની અંદરના શિવલિંગની જગ્યા વરસાદના પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી. અંબરનાથમાં શિવ મંદિર પાસે વાલધુની નદી વહે છે. ભારે વરસાદને કારણે આ નદીના પાણીના પ્રવાહમાં વધારો થયો છે. આ કારણે નદીનું પાણી શિવ મંદિરની અંદર ગયું હતું. અંબરનાથ તાલુકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે.