રશિયાએ યુક્રેન પર 10 ક્રુઝ મિસાઈલથી કર્યો હુમલો, 5નાં મોત
રશિયાએ ગુરુવારે પશ્ચિમ યુક્રેનના એક શહેર પર ક્રુઝ મિસાઈલ છોડી હતી. આ હુમલામાં એક ઈમારતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ક્રેમલિનની સેનાએ દેશ પર હુમલો કર્યા પછી લ્વિવ પર આ સૌથી ખરાબ હુમલો હતો. રાત્રિના હુમલામાં એક રહેણાંક મકાનને ભારે નુકસાન થયું હતું. જેમાં 36 લોકો ઘાયલ થયા છે.
લ્વિવના ગવર્નર મેક્સિમ કોજિત્સ્કીએ જણાવ્યું હતું કે પાંચ મૃતકોમાં એક 21 વર્ષીય પુરુષ અને 95 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. કોજિત્સ્કીએ કહ્યું કે વૃદ્ધ મહિલા બીજા વિશ્વ યુદ્ધમાં બચી ગઈ હતી, પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધમાં તે બચી શકી ન હતી.
બીજી તરફ હુમલા અંગે યુક્રેનના આંતરિક મંત્રાલયે જણાવ્યું કે થોડા કલાકોમાં જ છેલ્લા પીડિતને પણ ઈમારતના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેમાં દટાયેલા સાત લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા. લ્વિવના મેયર એન્ડ્રે સદોવાઈએ જણાવ્યું કે આ રશિયન હુમલામાં લગભગ 60 ઘરો અને 50 કારને પણ નુકસાન થયું છે. મેયરે બે દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે.
યુક્રેનમાં યુએસ એમ્બેસેડર બ્રિગિટ બ્રિંકે આ હુમલા માટે રશિયાની ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે રશિયા દ્વારા યુક્રેનના નાગરિકો પર વારંવાર થતા હુમલાઓ ખૂબ જ ભયાનક છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા કાળા સમુદ્રમાંથી લ્વિવ પ્રદેશ અને લ્વિવ શહેર તરફ છોડવામાં આવેલી 10 ક્રૂઝ મિસાઇલોમાંથી સાતને અટકાવી હતી.