પંજાબ: મોહાલીમાં પોલીસ બિલ્ડિંગ પર હુમલો, 80 મીટર દૂરથી રોકેટ બ્લાસ્ટ!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સોમવાર, 9 મે. સમય રાત્રે 8 વાગ્યાની આસપાસ. પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ હેડ ક્વાર્ટરની ઈમારત પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કોઈને ઈજા થઈ નથી અને ઈમારતને કોઈ મોટું નુકસાન થયું નથી. બિલ્ડિંગના ત્રીજા માળે જ નુકસાન થયું હતું જ્યાં તમામ બારીઓના કાચ તૂટી ગયા હતા.

 

ઘટના બાદથી ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને તપાસ ટીમ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ફોન ટાવરની તપાસ કરી રહી છે. આ હુમલા અંગે અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ હુમલાની થોડી મિનિટો પહેલા બે શંકાસ્પદ લોકો કારમાં બિલ્ડીંગ તરફ આવતા જોવા મળ્યા હતા. આ લોકોએ લગભગ 80 મીટર દૂરથી ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલો ટાર્ગેટ કરવામાં આવ્યો ન હતો, પરંતુ રેન્ડમ ફાયર કરવામાં આવ્યો હતો.

મોહાલીના એસપી રવિન્દરપાલ સંધુએ જણાવ્યું કે,

આ એક નાનો ધડાકો છે. આ હુમલો ઈન્ટેલિજન્સ ઈમારત પર બહારથી કરવામાં આવ્યો છે. આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ વિસ્ફોટ રોકેટ ટાઇપ ફાયરથી કરવામાં આવ્યો છે.

આતંકવાદી હુમલો કે આતંકી એંગલના સવાલ પર તેમણે કહ્યું કે આ સંદર્ભમાં પણ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલા બાદ પંજાબ હાઈ એલર્ટ પર છે. જે ઈમારતમાં બ્લાસ્ટ થયો હતો તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ બ્યુરો તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે.

આ હુમલા બાદ NIAની એક ટીમ મોહાલી જવા રવાના થઈ ગઈ છે. આ ટીમ સમગ્ર મામલાની તપાસ કરીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ મોહાલી બ્લાસ્ટ કેસમાં રિપોર્ટ મંગાવ્યો છે. તપાસ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે શું આરપીજી લોન્ચર ડ્રોન દ્વારા પંજાબમાં આવ્યું હતું? કારણ કે છેલ્લા ઘણા મહિનાઓમાં ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન છોડવાના કિસ્સાઓ વધ્યા છે, જેને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે અટકાવવામાં આવે છે.

 

આ મામલે પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અમરિંદર સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને ટ્વીટ કરીને આ કેસમાં દોષિતોને વહેલી તકે સજા મળે તેવી વિનંતી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.