પ્રાથમિક સ્કૂલો બંધ કરાઈ દિલ્હીમાં હવે પ્રદૂષણના કારણે મિની લોકડાઉન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદૂષણમાં તીવ્ર વધારો થવાના કારણે રાજ્ય સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું છે. રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગઈ હતી. દિલ્હીમાં પ્રદૂષણમાં અસાધારણ વધારો થતાં રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો, સરકારી વિભાગોમાં ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો તેમ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું. દિલ્હીમાં સરેરાશ એર ક્વૉલિટી ઈન્ડેક્સ ૪૪૭ થયો હતો.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી અમે દિલ્હીની પ્રાથમિક સ્કૂલો, પ્રાથમિક ક્લાસીસ બંધ રાખીશું. રાજધાનીમાં ઓડ-ઈવન પર વિચાર ચાલી રહ્યો છે. અમારો પ્રયત્ન છે કે દિલ્હીમાં કોઈપણ બાળકને સ્વાસ્થ્ય સંબંધિત અથવા તેમના જીવન સંબંધિત કોઈ તકલીફ ના પડે. દિલ્હીની સ્કૂલોમાં ૬થી ૧૨મા ધોરણના બાળકોની આઉટડોર એક્ટિવિટીસ પર પણ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે.દિલ્હીમાં પ્રદૂષણ વધવાના કારણે સ્કૂલે જતા બાળકોને વિશેષ તકલીફો થતી હતી. બાળકોએ સવાર-સવારમાં ઘરેથી નીકળવું પડતું હતું. ડૉક્ટર્સનું કહેવું છે કે દિલ્હીની હવા બાળકો માટે ખૂબ જ ખતરનાક છે. તેમના માટે બહાર નીકળવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે પણ સ્કૂલો બંધ કરવાની ભલામણ કરી હતી. બીજીબાજુ અનેક માતા-પિતાનું પણ કહેવું હતું કે, આ સ્થિતિમાં સરકારે સ્કૂલો બંધ કરી દેવી જોઈએ.દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશને પણ સ્કૂલો બંધ કરવાની માગણી કરી હતી. એસોસિએશનનું કહેવું હતું કે, પ્રદૂષણનું સ્તર ઘટે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ કરી દેવી જોઈએ. એસોસિએશનના પ્રમુખ અપરાજિતા ગૌતમનું કહેવું હતું કે, જે બાળકો અસ્થમાના દર્દી અથવા એલર્જી ધરાવે છે તેમને વર્તમાન સમયમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ વાતાવરણથી સ્વસ્થ બાળકોમાં પણ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવાની સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે હેતુથી ઓનલાઈન ક્લાસીસ ચાલુ રાખવાની પણ શક્યતાઓ છે.દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં હવાનું વધતું પ્રદૂષણ ડામવા માટે પરાળી સળગાવવા અંગે નવેસરથી માર્ગદર્શિકા જાહેર કરવા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી. સુપ્રીમે આ અરજી પર ૧૦મી નવેમ્બરે સુનાવણી રાખવા સંમતી આપી છે. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદીને સમાવતી બેન્ચે વરિષ્ઠ વકીલ શશાંક શેખર ઝાની રજૂઆતોને ધ્યાનમાં લીધી હતી. શશાંક શેખર ઝાએ દલીલ કરી હતી કે દિલ્હીની આજુબાજુ પરાળી સળગાવવાના કારણે પ્રદૂષણ વધ્યું છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય સ્વસ્થ માણસ પણ ચાલી શકે તેમ નથી. બીજીબાજુ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)એ વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને સમન્સ પાઠવીને ૧૦મી નવેમ્બરે હાજર થવા જણાવ્યું છે. માનવાધિકાર પંચે વાયુ પ્રદૂષણની સ્થિતિથી છૂટકારો મેળવવા માટે અત્યાર સુધીમાં કયા પગલાં લીધા તેની વિગતો માગી છે. આયોગે મુખ્ય સચિવોને કહ્યું કે, તેઓ તેમની સરકાર દ્વારા ખેડૂતોને પરાળ સળગાવતા રોકવા માટે લેવાયેલા પગલાંની માહિતી આપે. વધુમાં પંચે કહ્યું હતું કે, દિલ્હીમાં સ્મોગ ટાવરો અને એન્ટી સ્મોગ ગનની કેવી અસર રહી તે અંગે પણ મુખ્ય સચિવો રિપોર્ટ આપે. અત્યારે કેટલી સ્મોગગન કામ કરે છે તેની માહિતી પણ આપવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.