
29 જાન્યુ.એ PMની મંત્રીઓ સંગ મીટિંગ, 31મીએ ઈકોનોમિક સર્વે, 1લીએ બજેટ, કેબિનેટ વિસ્તરણની સંભાવના
31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા, પીએમ મોદીએ 29 જાન્યુઆરીના મંત્રીઓના મંત્રીમંડળની બેઠક બોલાવી છે જેમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને રાજ્યમંત્રીઓ સામેલ થશે. મોદી સરકારના કાર્યકાળના અંતિમ પૂર્ણ બજેટ પહેલા બોલાવવામાં આવેલી મંત્રી પરિષદની બેઠકને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.
કેન્દ્રીય બજેટ પહેલા મોટી બેઠક
1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા પીએમ મોદીની આ મોટી બેઠક છે.
પીએમ બજેટ સત્રને લઈને મંત્રીઓને વિશેષ સૂચના આપી શકે
પીએમ મોદી બજેટ સત્રને લઈને તમામ મંત્રીઓને વિશેષ સૂચના આપી શકે છે. મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે એટલે વડા પ્રધાન એવું ઇચ્છશે કે બજેટ રજૂ થયા બાદ તમામ પ્રધાનોએ તેમના જનકલ્યાણકારી પગલાંઓને લોકો સુધી લઈ જવા અથાગ મહેનત કરવી
જી-20ની અધ્યક્ષતાનો મુદ્દો પણ ચર્ચાશે બેઠકમાં
રિપોર્ટ અનુસાર ભારતને જે જી-20ની અધ્યક્ષતા મળી છે તેને લગતા કાર્યક્રમો પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. દેશભરમાં 50થી વધુ સ્થળોએ જી-20ને લગતા 200 જેટલા કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમોમાં જી-20 દેશોની સાથે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક સહિત 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભાગ લેશે, તેથી ભારત સરકાર આ કાર્યક્રમોને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી.
કેબિનેટ વિસ્તરણ પણ થઈ શકે
મોદી પ્રધાનમંડળના ફેરબદલ અને વિસ્તરણના અહેવાલો વચ્ચે મંત્રીઓ તેમના સંબંધિત મંત્રાલયોની કામગીરી અંગે પણ રજૂઆતો કરે તેવી અપેક્ષા છે. સૂત્રોને ટાંકીને રિપોર્ટ મુજબ 29 જાન્યુઆરીએ યોજાનારી આ બેઠક બાદ થોડા જ દિવસોમાં કેબિનેટ ફેરબદલની કવાયત શરૂ થઈ શકે છે.
કેન્દ્ર સરકારનું 4 દિવસનું બિઝી શિડ્યુઅલ
29 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી અને તે પછી કેન્દ્ર સરકારનું શિડ્યુઅલ પેક છે જેમાં 29મીએ પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલવી છે. ત્યાર બાદ ઈકોનોમિક સર્વે અને પછી બજેટ રજૂ થવાનું છે. બજેટ બાદ પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ કરી શકે છે.