PM મોદીએ સુભદ્રા યોજનાનો કર્યો શુભારંભ, કહ્યું- ‘વચન ઝડપી ગતિએ પૂરા થઈ રહ્યા છે’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશા સરકારની મહિલા-કેન્દ્રિત યોજના ‘સુભદ્રા’ લોન્ચ કરી. તેમણે રાજ્યમાં રૂ. 3,800 કરોડથી વધુના ખર્ચના રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને રાજ્યમાં રૂ. 2,871 કરોડના નેશનલ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે અહીં જનતા મેદાન ખાતે એક કાર્યક્રમમાં રૂ. 1,000 કરોડના ખર્ચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું હતું.
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે અમે ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા તે ઝડપથી પૂરા થઈ રહ્યા છે. ભાજપ સરકાર પ્રજાની સેવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આજનો દિવસ એક અન્ય કારણથી પણ ખાસ છે, આજે કેન્દ્રમાં NDA સરકારના 100 દિવસ પૂરા થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ગરીબો, ખેડૂતો, યુવા અને મહિલા શક્તિના સશક્તિકરણ માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે વચન મુજબ ઓડિશામાં સત્તામાં આવ્યા પછી પુરીના જગન્નાથ મંદિરમાં રત્ન ભંડાર ખોલ્યું. સુભદ્રા યોજના શરૂ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાના વિકાસ માટે મહિલા સશક્તિકરણ મહત્વપૂર્ણ છે.